સુરત ભાજપનાં કામરેજનાં ધારાસભ્ય ભૂલ્યા ગંભીરતા??

દર્દીને ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો, દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથીઃ ધારાસભ્ય

સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટર (આઇસોલેશન સેન્ટર)માં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા વીડિયો વાઇરલ થયા છે. વીડિયો પરથી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી.

મેડિકલ સ્ટાફ હોવા છતા ઈન્જેક્શન આપ્યું ;
સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે.

મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યું;
વીડિયો પ્રમાણે, જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના નેતાનું અત્યાર સુધીનું વર્તન થોડાઅંશે કોરોના સંક્રમણ સમય દરમિયાન કેટલીક કામગીરીને બાદ કરતા ગંભીરતા વગરનું જણાયું હતું તે પછી જાહેર સભાઓ હોય રેલીઓ હોય કે આઇસોલેશન સેન્ટરના ઉદ્ઘાટનમાં ટોળે ટોળા એકત્રિત કરવાની વાત હોય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાઇરલ થયેલા વીડિયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.

મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું ;                                  કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં 2 દિવસ અગાઉનો આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોતે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઇન્જેકશન આપવામાં કંઈ ખોટું નથી. મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું છે. દર્દીને મે ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો છે. દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથી.

દોષનો ટોપલો ડોક્ટર પર ઢોળી ધારાસભ્યે પોતોનો બચાવ કર્યો;                                                          સામાન્ય રીતે ધારાસભ્યોનો અહમ તરત જ ભરાઇ જાય છે. જ્યારે સામેવાળી વ્યક્તિ તેમને કોઈ કામ કરવા માટે કહે છે પરંતુ તેઓએ જવાબ આપ્યો કે, ડોક્ટરે તેમને કહ્યું એટલા માટે તેમણે આપ્યું છે. જોકે આ વાતમાં તથ્ય જણાતું નથી. કોઈ ડોક્ટર ધારાસભ્યને આ પ્રકારની વાત કરે તે ગળે ઊતરે તેમ નથી. કદાચ પોતાનો બચાવ કરવા માટે ડોક્ટર ઉપર સમગ્ર વાત ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. માની લઈએ કે ડોક્ટરે તેમને કીધું પણ હોય પરંતુ તેમણે પોતે ધારાસભ્ય તરીકે એટલી તો જાણકારી તો હોય કે દર્દીને આ રીતે તેઓ ઇન્જેક્શન ના આપી શકે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.