સુરત બ્રેનડેડ થયેલા એકના એક દીકરાના અંગદાનથી પરિવારે પાંચને નવજીવન આપ્યું

સુરતઃ બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો સમીર ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ તેના અંગોના દાન કરવાથી પાંચ લોકોની જીંદગીમાં નવી રોશની ફેલાઈ છે.

માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી

બીલીમોરામાં લવલી બેગ્સ ના નામથી બેગ બનાવવાનું અને રીપેરીંગનું કામ કરતા સોનલબેન અને અલ્પેશ ચંદ્રકાંતભાઈ મિસ્ત્રીના એકના એક દીકરા સમીર હતો.સમીર ગત 21મી ઓક્ટોબરના રોજ પોતાના પિતાની દુકાન પાસે સાંજે સાડા સાત વાગ્યે રમતી વખતે દાદર પરથી પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. સારવાર માટે તેને બીલીમોરામાં આવેલ શૈશવ હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેને તપાસી સીટી સ્કેન કરાવવાની સલાહ આપી. સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. આથી પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની એપલ હોસ્પીટલમાં ન્યૂરોસર્જન ડૉ. કે.સી જૈનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

29 ઓક્ટોબરના રોજ ન્યૂરોસર્જન ડૉ. કે.સી જૈન, ડૉ. કિરીટ શાહ, ફિજીશિયન ડૉ. અલ્પેશ પરમાર, અને ડૉ.હાર્દિક પટેલે સમીરને બ્રેનડેડ જાહેર કર્યો હતો.બાદમાં અંગદાન અંગે ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. કે.સી જૈન સાથે રહી સમીરના પિતા અલ્પેશ, માતા સોનલ, નાના નવીનચંદ્ર પંચોલી, શિરીષભાઈ ગજ્જર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું.જેથી પરિવારે કહ્યું, અમારા પુત્રના અંગદાન થકી અમારો પુત્ર બીજા ચાર-પાંચ બાળકોમાં જીવિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.