સુરતના ચૌટા બજાર- ગોપી પુરામાં સેલના નામે ભેગી થતી ભીડ કોરોના માટે જોખમી

– પાલિકા તંત્રની સોશ્યલ ડિસ્ટન્સ માટે વારંવારની અપીલ પણ

કતારગામમાં ગાઈડ લાઈનનો પાલન છતાં દંડ વસુલવા જતાં ઘર્ષણઃ પુર્વના ધારાસભ્યની ઓફિસ નજીક જ સોશ્યલ ડિસ્ટન્સ વિના બજાર

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારમાં કોવિડની ગાઈડ લાઈનનો ભંગ છતાં તંત્ર પગલાં ભરતાં અચકાઈ રહ્યું છે. જ્યારે કતારગામ ઝોનમાં મ્યુનિ.ની તમામ ગાઈડ લાઈનનો અમલ છતાં પગલાં ભરાતા લોકો અને મ્યુનિ. સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ચૌટા બજાર અને ગોપીપુરામાં સેલના નામે કેટલાક વેપારીઓ ભીડ ભેગી કરી રહ્યાં છે. તો પુર્વ વિધાનસભાના ધારાસભ્યની ઓફિસ નજીક જ સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વિના જ શાકભાજી તથા અન્ય માર્કેટ ભરાઈ રહ્યા છે. મ્યુનિ.તંત્ર વિરોધ થાય તે જગ્યાએ પગલાં ન ભરતી હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળતી નથી.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરા હનુમાન ચાર રસ્તા ખાતે કેટલાક લોકો ઘર વખરીની વસ્તુના સેલના નામે ખેલ કરી રહ્યાં છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વાઈરલ લોડ છે તેવા ગોપીપુરા હનુમાન ચાર રસ્તાની આસપાસ દુકાનોમાં હાલ સેલ ચાલી રહ્યાં છે. જેમાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટ્ન્સ વિના જ ભેગા થઈ રહ્યાં છે. આ લોકો માથાભારે હોવાથી મ્યુનિ.ના કર્મચારીઓ આ વિસ્તારમાં કામગીરી કરતાં ડરે છે.

આવી જ રીતે ચૌટા બજારમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાની પણ વ્યાપક ફરિયાદ છે. પુર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાની ઓફિસ કોટ સફીલ રોડ પર આવી છે. તેમની ઓફિસની નજીક જ રોજ શાકભાજી તથા અન્ય વસ્તુનું બજાર ભરાય છે.

આ બજારમાં ભારે ભીડ હોવાના કારણે કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાય તેવી શક્યતા છે. આ તમામ વિસ્તારમાં મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ પગલાં નહી ભરાતા સંક્રમણ અટકાવવામાં સફળતા મળતી નથી. જ્યારે બીજી તરફ કોરોનાના સૌથી વધુ કેસ છે તેવા કતારગામ વિસ્તારમાં આજે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી.

ભગવાન નગરમાં મ્યુનિ.ની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે મ્યુનિ. તંત્રએ જે ગાઈડ લાઈન જાહેર કરી છે તે તમામનો અમલ કરવા છતાં પણ મ્યુનિ. તંત્ર દંડ વસુલવાની વાત કરે છે તે યોગ્ય નથી. આમ જે વિસ્તારમાં નિયમનું પાલન થાય ત્યાં દંડની વસુલાત અને નિયમનો છડેચોક ભંગ થઈ રહ્યો છે ત્યાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.