સુરત. કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજાર થતાં હોવાની જાણ થતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી વેપારી ઉભો કરીને દરોડો પાડતાં 40 હજારની કિંમતના ઇન્જેક્શનના 57 હજારથી એક લાખ પડાવવાનું આખું કૌભાંડ બહાર આવ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું કે, સુરતની સાર્થક ફાર્મા નામની હોલસેલ એજન્સી દ્વારા નકલી વેપારીને 40 હજાર રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચવામાં આવ્યું છે. એજન્સીના લાયસન્સ હોલ્ડર મહિલા ઉમા કેજરીવાલ પાસે ખરીદીના બીલ પણ નહોતા. તેમની પાસેથી ત્રણ ઇન્જેક્શન જપ્ત કર્યા છે.આ અંગે ઈન્જેક્શન વેચનાર મિતુલએ જણાવ્યું કે, મેં દર્દીની કન્ડીશન જોઈને 10 ઈન્જેક્શનની જરૂર હોય મારાથી 3ની વ્યવસ્થા થઈ હોવાથી આપેલા. મને ઈન્જેક્શનની કિંમતની ખબર નહોતી.ઉપરથી જે ભાવ કહ્યા તે પ્રમાણે આપેલા. આમાં દર્દીને બચાવવા સિવાયનો કોઈ ઉદ્દેશ્ય નહોતો.
પૂછપરછ દરમિયાન તેણે આ ઇન્જેક્શન સુરતની ન્યુ શાંતિ મેડીસીન્સના માલિક મિતુલ શાહ પાસેથી 50 હજારમાં ખરીદ્યા હતા. આ વેપારીએ અમદાવાદની કેબીવી ફાર્મા એજન્સીના માલિક અમિત મંછારામાની પાસેથી ખરીદી તેના 45 હજાર લેખે અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ તમામ સામે વિવિધ કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે.
રાજ્યમાં આવેલાં 5 હજાર ઇન્જેક્શન ખૂટવાના આરે
કોરોના દર્દીઓને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવાની મંજૂરી 5મી મેના રોજ અપાઇ હતી. આ સમયે ગુજરાતમાં કુલ 5 હજાર ઇન્જેક્શન આવ્યા હતા જેમાંથી 2900 સરકારી અને 2100 ખાનગી હોસ્પિટલોમાં મોકલાયાં હતાં. આ જથ્થો હવે ખૂટવાના આરે છે. જેથી રાજ્ય સરકારે 20 હજાર ઇન્જેક્શન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. 22મી જૂનથી રેમડેસીવીર ઇન્જેક્શન મંજૂરી મળતાં તે પણ 1800 આવ્યા હતા. જેનો પણ વધુ જથ્થો મેળવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.