સુરત: કોરોના માટે ટેક્ષટાઈલ માર્કેટ સુપર સ્પ્રેડીંગ વેન્યુ, મ્યુનિ.ની ચિંતા વધી

કેસ સ્ટડીમાં પોઝીટીવ લોકો ટેક્ષટાઈલ માર્કેટ સાથે સંપર્કમાં આવતા હોવાનું બહાર આવ્યું : મ્યુનિ.એ લોકોને તકેદારીની કરી અપી

સુરત મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર્સ સાથે હવે સુપર સ્પ્રેડીંગ વેન્યુ શોધવાની કામગીરી શરૂ કરી છે. સુરતની ટેક્ષટાઈલ માર્કેટ હવે કોરોના સ્પ્રેડ થવા માટે સુપર સ્પ્રેડીંગ વેન્યુ બની રહી છે.

સુરતમાં ગઈકાલે ચાર ટેક્ષટાઈલ માર્કેટમાંથી 24 લોકો પોઝીટીવ મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ઝોનમાં પણ લોકો પોઝીટીવ આવી રહ્યાં છે. તેમની કેસ હિસ્ટ્રીમાં તેઓ ટેક્ષટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા કે મુલાકાત લીધી હોય તેવું બહાર આવી રહ્યું છે. જેના કારણે મ્યુનિ. તંત્રએ સુપર સ્પ્રેડીંગ વેન્યુ પર જવાનું ટાળવું કે જવાનું થાય તો વધુ તકેદારી લેવા માટેની અપીલ કરી છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં હાલ ટેક્ષટાઈલ માર્કેટે મ્યુનિ. તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. હજારો લોકોની અવર જવર હોય તેવી ટેક્ષટાઈલ માર્કેટમાં હાલ પોઝીટીવીટીનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરત મ્યુનિ. તંત્ર દ્વારા ટેક્ષટાઈલ માર્કેટમાં કમિટિ બનાવીને નિયમોનું પાલન કરવા માટે તાકીદ કરી છે પરંતુ તેનો પુરતો અમલ થતો નથી. બીજી તરફ ટેક્ષટાઈળ માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાથી સંક્રમણ વધી રહ્યું છે.

મ્યુનિ.તંત્ર પહેલાં કોરોનાને કેસ મળે તો આખી માર્કેટ બંધ કરાવતી હતી પરંતુ રાજકીય દબાણના કારણે હવે એકાદ બે દુકાનો જ બંધ થતી હોવાથી સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. સુરતની વિવિધ ટેક્ષટાઈલ માર્કેટમાં એક પછી એક અનેક લોકો પોઝીટીવ મળી રહ્યાં હોવાથી મ્યુનિ.ની ચિંતામાં વધારો થયો છે.

મ્યુનિ.તંત્રએ માર્કેટમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે સુરક્ષા કવચ  કમિટિ બનાવી છે પરંતુ તેનો અમલ પુરતો થતો ન હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે.

મ્યુનિ.તંત્રે ગઈકાલે ટેક્ષટાઈલ માર્કેટમાં ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં મગોબની ચાર ટેક્ષટાઈલ માર્કેટમાંથી 24 જેટલા લોકો પોઝીટીવ મળતાં મ્યુનિ.તંત્ર ચોંકી ઉઠયું છે. મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પહેલાં મ્યુનિ.સુપર સ્પ્રેડર્સ શોધીને તેઓના ટેસ્ટ કરતી હતી. હવે સુપર સ્પ્રેડીંગ વેન્યુ શોધી તેમાં પગલાં ભરવાની કામગીરી કરી રહી છે. હાલ સુરતની ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તાર સુપર  સ્પ્રેડીંગ વેન્યુ બની ગયાં છે.

સુરતની ટેક્ષટાઈલ માર્કેટમાં સંક્રમણ વધુ હોવાના કારણે લોકોએ આવી જગ્યાએ બિન જરૂરી ન જવા માટેની અપીલ કરી છે. ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં જવું પડે તે અનિવાર્ય હોય તો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ અચુક કરવો તેવી તાકીદ કરી છે.

મ્યુનિ. તંત્રએ ટેક્ષટાઈલ માર્કેટ માટે જે નિયમો બનાવ્યા છે. તેનો ચુસ્તપણે અમલ કરવા તથા સુરક્ષા કવચ કમિટિએ કામગીરી કરવા માટેની સુચના આપી છે. નિયમોનો ભંગ કરનારા સામે આકરાં પગલાં ભરાશે તેવી ચીમકી પણ મ્યુનિ.તંત્રએ આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.