સુરતમાં કોરોનામાં સૌથી વધુ મોત રાત્રે જ થાય છે તે તપાસનો વિષય, રાત્રી સમયે હોસ્પિટલમાં ચાલે છે લોલમ લોલ

સુરતની કોવિડ હોસ્પિલમાં રાત્રી દરમિયાન દર્દીની હાલત કફોડીઃ તંત્ર સબ સલામતની વાત કરે પણ દર્દીના સગાઓના ગંભીર આક્ષેપ 

સુરતમાં કોરોના દરમિયાન કોવિડ હોસ્પિટલમાં સૌથી વધુ મોત રાત્રી દરમિયાન જ થઈ રહ્યાં હોવાથી રાત્રી દરમિયાન કોવિડ હોસ્પિટલની કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે. રાત્રી દરમિયાન કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી ન હોવાનો આક્ષેપ દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

તંત્ર હજી પણ ન જાગે તો કોરોનાના કારણે મૃત્યુ આંકમાં હજી પણ વધારો થાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે. કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધી જે મોત થયાં તે રાત્રી દરમિયાન જ થયાં છે. તેથી રાત્રી દરમિયાન જ કોવિડના દર્દીના મોત કેમ થાય છે તે હવે તપાસનો વિષય બની ગયો છે.

સુરતમાં ગઈકાલ સુધી કોરોનાના કારણે શહેરમા 289 અને જિલ્લાના 35 મળીને શહેર જિલ્લાના કુલ 324 લોકોના મોત થયાં હોવાનું સત્તાવાર જાહેર કરવામા આવ્યું છે. સરકારી તંત્ર શહેર જિલ્લામાં કોવિડના કારણે 324 લોકોના મોત હોવાના આંકડા જાહેર કરી રહી છે પરંતુ કોવિડના દર્દીઓની અંતિમ વિધિ કરતાં એકતા ટ્રસ્ટે કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે 825થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડની ગાઈડ લાઈન મુજબ કર્યા છે.

સરકાર અને આરોગ્ય કમિશ્નર આંકડા છુપાવવામાં આવતા ન હોવાનો દાવો કરે છે પરંતુ બીજી તરફ કોવિડની ગાઈડ લાઈનથી કેટલા લોકોના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા તે જાહેર કરવાથી દુર ભાગી રહી છે.

કોવિડ હોસ્પિટલ સામે અનેક આક્ષેપ થઈ રહ્યાં છે. તેમાંથી સૌથી ગંભીર આક્ષેપ કોવિડ હોસ્પિટલમાં રાત્રી દરમિયાન દર્દીઓને પુરતી સારવાર મળતી ન હોવાનો છે. રાત્રી દરમિયાન કોવિડ હોસ્પિટલમાં પુરતી સારવાર મળતી ન હોવાથી રાત્રી દરમિયાન જ અનેક કોવિડના દર્દીઓ દમ તોડી રહ્યાં છે.

કોવિડ હોસ્પિટલમાં મોડી સાંજ સુધી તો મૃત્યુ આંક ઘણો જ ઓછો હોય છે. પરંતુ સવાર સુધીમાં તો લાશના ઢગલા થઈ જાય છે તેથી સ્મશાનના ટ્રસ્ટીઓએ વહેલી સવાર સુધી અંતિમ વિધિ કરવી પડી રહી છે.

કેટલાક દર્દીઓના સગા આક્ષેપ કરી રહ્યાં છે કે કોવિડ હોસ્પીટલમાં રાત્રી દરમિયાન તબીબ તો ઠીક પણ સ્વીપર પણ ફરકતા નથી. આવા સંજોગમા દર્દીને કોઈ  સારવારની જરૂર હોય તો તે મળતી ન હોવાથી દર્દીની હાલત કફોડી થઈ રહી છે.

કોવિડ હોસ્પિટલમાં રાત્રી દરમિયાન જ શંકાસ્પદ કે કોવિડના દર્દીના મોત થાય છે તે તપાસનો વિષય છે. સરકાર સબ સલામતની વાત કરે છે પરંતુ રાત્રી દરમિયાન કોવિડ હોસ્પિટલ ભગવાન ભરોસે હોય તેવો માહોલ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.