વિધાનસભાની ચૂંટણી પહેલા જ સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. દોઢ મહિનાના સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. અને આ પાંચેય કોર્પોરેટરો દ્વારા પક્ષની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ હવે ભાજપમાં ગયેલા એક કોર્પોરેટરે ઘર વાપસી કરી છે અને આ કોર્પોરેટરનું નામ મનીષા કુકડીયા છે.
ભાજપમાં ગયેલા કોર્પોરેટર મનીષા કુકડીયા હવે ફરીથી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવ સહિતના આગેવાનોની હાજરીમાં મનીષા કુકડીયા ફરીથી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. મનીષા કુકડીયાના પતિ દ્વારા ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હવે તે અને તેના પત્ની આમ આદમી પાર્ટી સાથે રહીને ઈમાનદારીથી લડાઈ લડશે.અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મનીષા કુકડીયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ગુલાબસિંગ યાદવનો આભાર માન્યો હતો અને ત્યારબાદ તેઓ ભાવુક થઇ ગયા હતા.
મનીષા કુકડીયાના પતિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં ક્યારેય રાજનીતિ નહોતી પરંતુ આમ આદમી પાર્ટીએ મારી પત્નીને ટિકિટ આપી અને લોકોએ ખોબલેને ખોબલે મત આપીને અમને જીતાવ્યા હતા.અને ત્યારબાદ આઠથી દસ મહિના સુધી અમે લોકોના કામ કરતા રહ્યા. પરંતુ અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ અમારું કામ થતું ન હતું એટલે મારી પત્નીએ મને એક વાર કહ્યું કે સત્તા પક્ષની સાથે જોડાઈ એ તો આપણા કામ થશે.. એટલે મેં તેને કહ્યું કેતારી ઇચ્છા હોય તેમ કર અને ત્યારબાદ મારી પત્નીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્નીએ ભાજપ જોઈન કર્યા બાદ દોઢ મહિના પછી મને એવું કહ્યું કે આપણે ધારીએ તેવું ત્યાં થતું નથી કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર છે. આપણે સારા વ્યક્તિઓ છીએ અને ઈમાનદાર વ્યક્તિ છીએ પણ જે ભૂલ કરી છે તે તકલીફ વાળી ભૂલ છે. ત્યારબાદ ત્યારબાદ મેં મારી પત્નીને કહ્યું કે હવે શું કરીશ ત્યારે તેને મને કહ્યું કે હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ અને સામાન્ય જીવનમાં ફરીશ.અને પછી મે તેને સમજાવી અને ત્યારબાદ તેને કહ્યું કે હવે આપણે ફરીથી સત્તા પક્ષ સામે લડીશું અને આમ આદમી પાર્ટીમાં ફરીથી જોડાવા માટે રજૂઆત કરીશું.
ત્યારબાદ અમે મનોજ સોરઠીયાને આ બાબતે રજૂઆત કરી અને હવે મારી પત્નીની સાથે હું પણ રાજકારણમાં આવ્યો છું. ટોપ ગોળાની સામે લડીશું અને આમ આદમી પાર્ટીમાં રહીને કામ કરીશું.તેમજ હવે મારી પત્નીની સાથે રહીને હું આ વિચારધારાની સાથે જોડાયો છું અને હવે સત્તા પક્ષ સામે લડીશું અને આ વિચારધારાની સાથે જોડાયેલા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.