સુરત / ડાયમંડ બુર્સમાં 6 હજાર સ્કે.ફૂટ મુજબ ઓફિસનો ભાવ નક્કી છતાં વધારો મંગાતા વેપારીઓ નારાજ

સુરતઃ સુરતમાંથી જ ડાયમંડ ઈન્ટરનેશનલ કક્ષાનું ડાયમંડ ટ્રેડિંગ શરૂ થાય તે માટે ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખજોદમાં આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના સભ્યો સાથે રવિવારે સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે મીટીંગ મળી હતી. હિસાબના મુદ્દે ડિરેક્ટરો અને સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાતા નવો વિવાદ સામે આવ્યો છે. સભ્યોના મતાનુસાર, ઓફિસની કિંમત માટે એડવાન્સમાં સ્કે.ફૂટ દીઠ દર નક્કી છતાં વધારો કેમ માંગવામાં આવી રહ્યો છે. જ્યારે ડિરેક્ટરોની ટીમના મતાનુસાર, નહીં નફો નહીં નુકશાનના ધોરણે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ડિફરન્સની માંગવામાં આવેલી વધારાની રકમમાં બચત થશે તો તે સભ્યોને પરત કરાશે.

સમજાવટથી મામલો થાળે પાડ્યો

બનેલી ઘટના પ્રમાણે, રૂ. 2500 કરોડના ખર્ચે ખજોદ ખાતે 67 લાખ સ્કેવર ફૂટ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. બુર્સનું નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે. 2020 અંત સુધીમાં 4200 ઓફિસ ધારકોને તેમની ઓફિસનું એલોટમેન્ટ આપી દેવાશે. રવિવારની મીટીંગમાં મુંબઈથી પણ કેટલાક સભ્યોએ હાજરી આપી હતી. કમિટીના અગાઉના નિર્ણયોથી નારાજ કેટલાંક સભ્યોએ કમિટી હિસાબોમાં પારદર્શિતા ધરાવતી નહીં હોવાના આક્ષેપ કરી સભા ગજવી હતી. હીરાઉદ્યોગકાર એવા આ સભ્યોએ પ્રશ્ન કર્યા હતા કે નહીં નફા નહીં નુકસાનના ધોરણે બુર્સનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે બાંધકામના આરંભ પહેલાં 4600 થી 6000નો સ્કે.ફૂટનો ભાવ રાખવાની જાહેરાત કરાઈ હતી. તો હવે 9000 સુધી ભાવ કેમ વસુલવામાં આવી રહ્યો છે. વળી, એલોટમેન્ટ લેટરમાં હજુ ભાવ વધે તો ચૂકવવા સભ્યો બંધાયેલા રહેશે એવી શરત કેમ મુકવામાં આવી છે. આ પ્રશ્નોથી સભા ગરમાય હતી. જોકે 31 ડિરેક્ટર્સની સમજાવટે આખરે સભામાં મામલો થાળે પડ્યો હોવાનું પણ ડાયમંડ બુર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.

કેટલાક લોકોએ માહોલ બગાડ્યો

બુર્સના પ્રવક્તા મથુર સવાણીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ સભાનો માહોલ બગાડ્યો હતો. 4200 ઓફિસનાં નિર્માણનો ખર્ચ 4200 ઓફિસ ધારકોએ જ ઉપાડવાનો છે. જેનું સંચાલન 31 ડિરેક્ટર્સ કરે છે. જ્યારે કમિટી તૈયાર કરાઈ ત્યારે ડિફરન્સની રકમ બાબતે સભ્યોનું ધ્યાન દોરાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.