સુરતમાં કારીગરોનો રિપોર્ટ નેગેટિવ આપવા ઉદ્યોગકારોના દબાણની વ્યાપક ફરિયાદ

કામ પર રાખ્યા પહેલા નેગેટિવ રિપોર્ટ ફરજ્યાત, પોઝીટીવ નિકળે તો યુનિટ બંધ કરાવાતા હોવાથી રિપોર્ટ નેગેટિવ લાવવા કે ડમી વ્યક્તિ મોકલવાનો પ્રયાસ

સુરતમાં વિવિધ ઉદ્યોગોમાં કામદારોને કામ પર રાખવા પહેલાં તેઓનો નેગેટિવ રિપોર્ટ ફરજ્યાત છે. જો કોઈ કર્મચારી પોઝીટીવ આવે તો મ્યુનિ. તંત્ર યુનિટ બંધ કરાવી દેતું હોવાથી કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ ન આવે તે માટે કેટલાક ઉદ્યોગકારો દબાણ કરતાં હોવાની વ્યાપક ફરિયાદ બહાર આવી છે. મ્યુનિ. તંત્રને આ પ્રકારની ફરિયાદ મળતાં તંત્રએ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અનલોક બાદ સતત કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેના કારણે શરૂ થતાં તમામ ઉદ્યોગોમાં કામદારોને રાખવા પહેલાં એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય તે ફરજ્યાત કરવામા આવ્યું છે. મ્યુનિ. તંત્રએ ધન્વન્તરી રથ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર સાથે સાથે શહેરમાં 38 લેબને ટેસ્ટ માટે મંજુરી આપી છે.

ઉદ્યોગકારો મ્યુનિ.એ નિયત કરેલા દરથી લેબમાં કામદારોનો ટેસ્ટ કરાવી રહ્યાં છે.પરંતુ કતારગામ ઝોનમાં હાલ હીરાના કેટલાક યુનિટમાં બે કરતાં વધુ કર્મચારીઓ પોઝીટીવ આવતાં યુનિટ બંધ કરાવી દેવામાં આવે છે. તેના કારણે હવે ઉદ્યોગકારો પોતાના કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ ન આવે તે માટે ધમપછાડા કરી રહ્યાં છે. મ્યુનિ.માં ચાલતી ચર્ચા મુજબ કેટલાક ઉદ્યોગકારો પોતાના કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવે તે માટે જાત જાતના ગતકડાં કરી રહ્યાં છે.

કેટલાક ઉદ્યોગકારો દ્વારા લેબમાં રિપોર્ટ નેગેટિવ આવે તે માટેનું દબાણ પણ શરૂ કર્યું છે. તો કેટલાક ઉદ્યોગકારો પોતાના કર્મચારી કોઈ લક્ષણ ધરાવતાં હોય તો તેના બદલે તેમના નામે ડમી વ્યક્તિનો પણ એન્ટીજન ટેસ્ટ કરાવતાં હોવાની ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની ફરિયાદને ગંબીર ગણીને મ્યુનિ. તંત્રએ તપાસ પણ શરૂ કરી દીધી છે.

જો કર્મચારીઓ પોઝિટીવ હોય તો પણ યેન કેન પ્રકારે નેગેટિવ રિપોર્ટ મેળવીને એકમો શરૂ કરી દેવામાં આવશે તો સુરત મ્યુનિ.ની મુશ્કેલી વધી શકે છે અને સુરતીઓએ આ માટે મોટી કિંમત ચુકવવી પડી શકે છે. તેના કારણે આ પ્રકારની ફરિયાદની તપાસ તાત્કાલિક કરવા માટેની માગણી શરૂ થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.