સુરતના સરથાણા યોગીચોક ખાતે રહેતા અને કામરેજના વેલંજા ખાતેની કેટાલાયઝર મોર્ડન સ્કૂલના સંચાલકને ધાકધમકી આપી રૂ.1 કરોડની માંગણી કરતા ભાજપના યુવા નેતા વિરુદ્ધ સરથાણા પોલીસે સવા ચાર માસ અગાઉ ગુનો નોંધ્યા બાદ ગતરોજ ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક તિરુપતિ સોસાયટી ઘર નં.એ/523 માં રહેતા 42 વર્ષીય હરેશભાઇ નાગજીભાઈ જોગાણી કામરેજના વેલંજા ગામ ખાતે ગોરધનભાઈ મોહનભાઇ સાનગઢીયા અને ભરતભાઈ નાનજીભાઈ કાછડીયા સાથે ટેટાલાયઝર મોર્ડન સ્કૂલ ચલાવે છે.10 માસ અગાઉ વેલંજા ગામ નંદની રો હાઉસ ઘર નં.44 માં રહેતા અને પોતાની ઓળખ ભાજપના યુવા નેતા તરીકે આપતા યોગેશભાઈ નનુભાઈ મુંજપરાએ સ્કૂલ ગેરકાયદેસર છે અને હું બંધ કરાવી દઈશ તેમ લોકોને કહી અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજી કરી હરેશભાઈને હેરાન કરવા માંડયા હતા. યોગેશની કરતૂતથી કંટાળેલા હરેશભાઇએ કોમન મિત્ર વિપુલભાઈ સોરઠીયા મારફતે ફોન કરાવી યોગેશને રૂબરૂ મુલાકાત કરવા કહ્યું હતું.
આથી ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે પુણા ગામ સત્યનારાયણ સોસાયટી ખાતે વિપુલભાઈના ઘરે હરેશભાઇ તેમના પિતરાઈ ભાઈ મહેશભાઈ જોગાણી સાથે ગયા હતા અને ત્યાં તેમણે યોગેશને મારી કાંઈ ભૂલ હોય તો હું તમારી માફી માંગીશ, તમે મને ખોટી રીતે કેમ હેરાન કરો છો ? તેમ કહેતા યોગેશે મહેશભાઈને કહ્યું હતું કે જો હરેશભાઇ મને રૂ.1 કરોડ આપે તો હું તેમને હેરાન કરવાનું બંધ કરી દઈશ. હરેશભાઇએ પૈસા આપવા ઇન્કાર કરતા યોગેશે તમારા વિરુદ્ધ બધા પોલીસ સ્ટેશનમાં અરજી કરી તમેં ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. આથી હરેશભાઇ અને મહેશભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન, બીજા દિવસે યોગેશે વિપુલભાઈના મોબાઈલ ફોન ઉપરથી હરેશભાઈને તેમના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીનો ફોટો વ્હોટ્સએપ કર્યો હતો.
રૂ.1 કરોડની માંગણીનું જ રટણ કરતા યોગેશે ત્યાર બાદ હરેશભાઈની કાર પાછળ માણસો મોકલી ફોટા પડાવવા માંડયા હતા. લોકોને તે સ્કૂલ બંધ કરાવી દેવાની વાતો કરતો હોય વાલીઓમાં પણ ગભરાટ વ્યાપી ગયો હતો અને તેઓ તપાસ કરવા સ્કૂલે પહોંચતા હતા. એટલું જ નહીં યોગેશે બનેવી ધર્મેશભાઈ સુતરીયાને સ્કૂલે મોકલી પૈસા આપી પતાવટ કરી દેવા અને તમે પૈસા નહીં આપશો તો તમને શાંતિથી નહીં રહેવા દે તેમજ માણસો મારફતે હુમલો કરાવશે તેવી ધમકી હરેશભાઈને આપી હતી. આથી છેવટે ગત 7 માર્ચના રોજ હરેશભાઇએ યોગેશ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ગતરોજ યોગેશભાઈ નનુભાઈ મુંજપરાની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.