સુરતમાં કતારગામની યુવતીને ફેરવ્યા બાદ યુવકે ફરવાના 50 હજાર માંગતા સુરત પોલીસે કર્યું આ કામ

કતારગામમાં એક યુવતીની સાથે મિત્રતા કરીને તેની સાથે ફરનાર સૌરાષ્ટ્રના યુવકને રૂા. 50 હજારનો ખર્ચો થયો હોય, યુવતીએ ફરવા આવવાની ના પાડતા યુવકે ખર્ચો માંગતા પોલીસ ફરિયાદ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં રહેતી કિંજલ (નામ બદલ્યુ છે) ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત ફેસબુક મારફતે તેના વતનમાં રહેતા વિપુલ રણછોડભાઇ પ્રજાપતિની સાથે થઇ હતી. વિપુલે પોતાની ઓળખાણ આપીને તે પણ મહેસાણાના સુદાસણા ગામનો હોવાનું કહીને મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં વિપુલે કિંજલને મળવા માટે કહ્યું હતુ અને મહેસાણાથી સુરત મળવા માટે આવ્યો હતો. અહીં સુરતના વિવિધ વિસ્તારોમાં બંને સાથે ફર્યા હતા. છેલ્લા બે મહિનાથી તેઓ બંને એકબીજાને મળતા હતા અને ફરતા હતા.

આ દરમિયાન વતનમાં એક સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોય વિપુલે કિંજલને વતનમાં આવવા માટે કહ્યું હતું. પરંતુ કિંજલે પોતાની કોલેજની પરીક્ષા હોવાનું કહીને આવવાની ના પાડી હતી ત્યારે વિપુલે કહ્યું હતું કે, આપણે જ્યાં જ્યાં ફરવા ગયા છીએ ત્યાં મારો રૂા. 50 હજારનો ખર્ચો થયો છે, જો તારે આવવું ન હોય તો મારા રૂપિયા પરત આપી દે. કિંજલ રૂપિયા આપવાની ના પાડતા બબાલ થઇ હતી. કિંજલે વિપુલનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.

વિપુલે 50 હજારની બદલે રૂા. 60 હજારની માંગણી કરતા મામલો વધુ બિચક્યો હતો. કિંજલે પોતાના પરિવારને જાણ કરીને વિપુલને સુરત બોલાવ્યો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરીને બોલાવી લેવાઇ હતી. વિપુલે પૈસા માંગ્યા પરંતુ યુવતીએ પૈસા નહીં આપતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કતારગામ પોલીસે વિપુલની ધરપકડ કરીને તેને જેલમાં પુરી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.