સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન વેપારીનું મોત નિપજ્યું હતું. જેના પગલે માર્કેટના વેપારીઓમાં રોષ ફેલાયો છે. અને બે માર્કેટના વેપારીઓએ કામકાજ બંધ રાખ્યું હતું અને વેપારીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અડાજણમાં આનંદ મહેલ રોડ પર રહેતા તરૂણ ઓમપ્રકાશ સદાના (43 વર્ષ) સલાબતપુરામાં મોટી બેગમવાડી સ્થિત શુભમ માર્કેટમાં મંગલ ક્રિએશનના નામથી કાપડનો વેપાર કરે છે. તેમની દુકાનમાં જ ઇરફાન નામનો કર્મચારી કામ કરે છે. નિત્યક્રમ અનુસાર શુક્રવારે સાંજે તરૂણ સદાના અને કર્મચારીઓ દુકાન હાજર હતા. તે સમયે ઇરફાને તરૂણ સાથે કોઈ મુદ્દે ઝગડો કર્યો હતો. ત્યાર બાદ ઇરફાન ત્યાંથી રવાના થઇ ગયો હતો. કોઈ કામ અર્થે તરૂણભાઈ પણ દુકાનની બહાર નિકળ્યા હતા. પાંચેક મિનિટમાં ઇરફાન અન્ય એક યુવકની સાથે માર્કેટમાં આવીને દુકાનની બહાર તરૂણ સાથે ફરી ઝગડો કરી ઇરફાને તરૂણને પેટના ભાગે બે-ત્રણ ઘા મારી દીધા હતા. ઇરફાન અને તેનો સાગરિત ત્યાંથી નાસી ગયો હતો. ઇરફાનને મારેલું ચપ્પુ તરૂણના પેટમાં જ હતું. તરૂણ દુકાનમાં ઘુસ્યા ત્યારે ચપ્પુ નીચે પડ્યું હતું. આ બનાવથી માર્કેટમાં દોડધામ થઈ ગઈ હતી. તરૂણ સદાનાને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મોડી રાત્રે તરૂણ સદાનાનું ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે ડોક્ટર તરૂણને બચાવી શક્યા નહતા. સારવાર દરમિયાન તરૂણનું મોત નિપજ્યું હતું.
શુભમ માર્કેટમાંના સાડીના વેપારીની ઘાતકી હત્યાને લઈને શુભમ માર્કેટ અને હરિઓમ માર્કેટના વેપારીઓએ આજે કામકાજ બંધ રાખ્યું હતું. આ બંને માર્કેટો એકબીજાને અડીને આવેલી છે. શુભમ માર્કેટના યુવાન વેપારીની થયેલી ઘાતકી હત્યાને લઈને માર્કેટના વેપારીઓને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તેઓએ પોલીસ સમક્ષ ગુનેગારને ઝડપથી શોધી કાઢવાની માંગ મૂકી છે. વેપારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ સહિત લોકો જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.