સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સરકારી કે પ્રાઈવેટ નોકરીઓમાં બીમારીનું બહાનું બનાવીને રજા લઈ લેવી એ સામાન્ય ગણાય છે. પરંતુ સુરતના એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરનો હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે પણ સલામ કરશો. આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાની ફરજને લઈને એક નવી મિસાલ રજૂ કરી છે.
મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે સતત ચાર દિવસ બીમાર હોવા છતાં રજા લીધી નહીં અને પોલીસ સ્ટેશનમાં જ ડોકટરને બોલાવીને ત્યાં મેડિકલ ટ્રિટમેન્ટ લીધી. આ દરમિયાન ડોક્ટરે બાટલો ચડાવવાનું કહ્યું તો પોલીસ ઈન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશનમાં જ ડ્રિપ લગાવવાનું કહ્યું. મહિલા ઈન્સ્પેક્ટરે બીમાર હોવા છતાં ફરજ પર હાજર રહ્યા અને હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે જેના ચારેબાજુ વખાણ પણ થઈ રહ્યા છે અને લોકો મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરને બીરદાવી રહ્યા છે.
સરથાણા પોલીસ મથકનો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવતા સરથાણા પોલીસ સ્ટેશનનો છે. પોલીસ ઈન્સ્પેક્ટર મીનાબા ઝાલા ચાર દિવસથી બીમાર હોવા છતાં ફરજ પર હાજર રહ્યા. પોલીસસ્ટેશન પહોંચેલા ફરિયાદીએ જ્યારે ઈન્સ્પેક્ટરને આ રીતે કામ કરતા જોયા તો વીડિયો બનાવી લીધો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે લખ્યું કે આવામાં જ્યારે રાજ્યમાં શિક્ષકો ડ્યૂટી પરથી ગાયબ હોવાના સમાચાર આવે છે ત્યારે મીનાબાએ એક અનોખી મિસાલ રજૂ કરી છે. યૂઝર્સે લખ્યું છે કે ગુજરાત પોલીસને આવા નિષ્ઠાવાન પોલીસકર્મીઓની જરૂર છે.
ગણેશોત્સવમાં કોમી છમકલાથી ગાજ્યું સુરત
સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ એકથી દોઢ કિલોમીટર દૂરથી રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ કરેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વણસી ગઈ છે. પોલીસે 3 ફરિયાદ દાખલ કરી છે. ઘટના બાદ હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં 28 લોકોને દબોચ્યા છે. પોલીસે લોકોનાં ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્ત્વોને ઝડપી લીધાં હતાં અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. આજે પણ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ગઈકાલે રાતે હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો. અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં એક ડીસીપી સહિત 10 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસને સ્પષ્ટ આદેશ છે કે ગુજરાતની શાંતિ ડહોળવાની કોશિષ કરનાર તત્વો સામે ખુલ્લા હાથે કાર્યવાહી કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.