સુરત પાલિકાના સીટી સીવિક સેન્ટર બહાર જ સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ

સુરતમાં કોવિડની એન્ટ્રી બાદ સોશ્યલ ડિસ્ટન્સ માટે ખાસ તકેદારી રાખવાની તાકીદ કરવા સાથે નિયમનો ભંગ થાય તો આકરો દંડ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દિવા તળે અંધારૃ હોય તેમ મ્યુનિ.ની સીટી સિવિક સેન્ટરની કચેરી બહાર જ લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ભેગા થઈ રહ્યાં છે. મ્યુનિ.ની કચેરીમાં જ કોવિડના નિયમોનો ભંગ થતો હોય જવાબદાર સામે પગલાં કોણ ભરે તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે.

સુરતીઓએ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ બે કરોડથી વધુનો દંડ ભરી દીધો છે તો  બીજી તરફ સુરત મહાગનરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા રાજકારણીઓ જ નિયમનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની કચેરી સામે સીટી સિવિક સેન્ટર આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી આ કચેરી પર વિવિધ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યાં છે. મેઈન રોડ પર આ કચેરી હોવા સાથે મ્યુનિ. કમિશ્નર બેસે તેનાથી 100 મીટર દુર જ સોશ્યલ ડિસન્ટન્સ અને માસ્કનો ભંગ થઈ રહ્યો છે. આ કચેરીમાં આવતાં લોકો ટોળે વળી રહ્યાં છે અને મોટા ભાગના લોકો માસ્ક પણ પહેરતાં નથી.

હીરા કે ટેક્ષટાઈલ માર્કેટમાં માસ્ક કે શોસ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો મ્યુનિ. તંત્ર આકરો દંડ વસુલ કરવા સાથે યુનિટ પણ બંધ કરાવી રહી છે. લોકોને નિયમનું પાલન કરાવવા માટે આકરી બનતું મ્યુનિ. તંત્ર પોતાની કચેરીમાં જ નિયમોનું પાલન કરાવી શકતી નથી.  મ્યુનિ. તંત્રની આવી બેરકારીના કારણે કોરોના સંક્રમણ વધી શકે તેમ હોવાથી મ્યુનિ.ના તમામ  સીટી સિવિક સેન્ટર અને અન્ય કચેરીમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન થાય તે માટેની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભંગ બદલ મ્યુનિ. તંત્ર લોકો પાસે દંડ વસુલે છે અને પોતાની કચેરીમાં જ નિયમોનું પાલન ન કરાવતી હોવાથી સંક્રમણ ળદવાની ભીતી વ્યક્ત થઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.