સુરત પાલિકા દબાણ દુર કરવા આવે તો શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈ ભાગવાનો ટ્રેન્ડ

– જાહેર રસ્તા પર દબાણ કરનારા મ્યુનિ. લોકો માટે માથાનો દુઃખાવો

નહેરૂ બ્રિજના છેડે દબાણ કરનારાએ હંગામો મચાવ્યોઃ લો લેવલ બ્રિજના બન્ને છેડે માથાભારે દબાણ કરનારા અડધો રોડ રોકી લારી મુકે છે

 

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાઓએ મ્યુનિ.ની કામગીરી સામે લારી બચાવવા માટે નવી જ ટ્રીક અપનાવી છે. મ્યુનિ. તંત્ર દબાણ દુર કરવા માટે આવે તો લારીમાંના શાકભાજી અને ફ્રુટ રસ્તા પર ફેંકી લારી લઈને ભાગી જવાનું.

આમ કરવાથી લારી બચી જાય અને મ્યુનિ.ના કર્મચારીઓ દાદાગીરી કરીને પાથરણાવાળાને નુકસાન પહોંચાડે છે તેમ બતાવવામાં આવે છે. ગઈકાલે અડાજણ  વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં બ્રિજ પરથી લારી નીચે ફેંકવાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ જાહેર કરીને તેના પર દબાણ કરનારાઓની લારી કાયમ માટે જપ્ત લેવાનો નિયમ બનાવ્યો છે. તેમ છતાં સુરત મ્યુનિ.ના સંખ્યાબંધ ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરી શકાયા નથી.

હાલમાં સુરતમાં સૌથી વધુ ન્યુસન્સ તાપી નદીના બ્રિજના છેડે દબાણ કરી શાકભાજી અને ફ્રુટ વેચનારાઓનું છે. બ્રિજ પર અડધો રસ્તે જ હાથમાં શાકભાજી ફળ લઈને માણસો ઉભા રહે છે જેના કારણે અકસ્માત થવાની ભીતી સતત રહેલી છે. આવી ભીતીના કારણે બ્રિજના છેડે દબાણ કરનારા સામે કડક કામગીરીની માગણી થઈ રહી છે.

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણ ડેપો નજીક બ્રિજના છેડે ઉભી રહેલી લારીઓના દબાણ દુર કરવાની કામગીરી ગઈકાલે કરવામાં આવી હતી તેમાં શાકભાજીવાળાઓએ નવી ટ્રીક અપનાવી શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈને ભાગી જતાં જોવા મળ્યા હતા.

કેટલાક માથાભારે શાકભાજીવાળાઓએ તો મ્યુનિ.એ ટ્રકમાં મુકેલી લારી પણ દાદાગીરીથી લઈ ગયાં હતા. એકાદ લારીવાળાએ તો શાકભાજી રસ્તા પર ફેંકીની  બ્રિજ પરથી લારી ફેંકીને નીચેથી લારીઓ લઈ ભાગી ગયાં હતા. ગઈકાલે અડાજણ બ્રિજ પર સર્જાયેલા આવા દ્રષ્યોના કારણે મ્યુનિ.ની કામગીરી વિવાદમાં આવી છે.

કોરોના સંક્રમણમાં ગરીબો પર જુલ્મ કરે છે તેવા આક્ષેપ થયાં છે. તો બીજી તરફ બ્રિજના છેડે દબાણ કરવાથી અકસ્માત થવાનો ભય રહે છે તેવું કહેવામા આવે છે. અડાજણ ડેપો નજીક તો લારીઓ મ્યુનિ. તંત્રએ હટાવી લીધી છે પરંતુ નહેરૂ બ્રિજના છેડે અડધો રસ્તો રોકીને માથાભારે દબાણ કરનારા સામે મ્યુનિ. તંત્ર વામણું બની રહ્યું હોવાથી આ દબાણ હવે કાયમી થઈ ગયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.