સુરતમાં પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં ઝેરી અસર થવાની સંભાવના

સુરતમાં છાશવારે આગની ઘટનાઓ બનતી રહી છે. અને આ ઘટનાઓને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. તેવામાં સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરામાં આવેલી જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રચંડ આગને કારણે સમગ્ર જીઆઈડીસીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના જીઆઈડીસીના કેમિકલ ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. પણ કેમિકલમાં આગ લાગી હોવાને કારણે પાણીની કોઈ અસર થતી ન હતી. તો બીજી બાજુ કેમિકલ સળગવાને કારણે સફેદ કલરનાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. અને અનેક કિમી દૂર સુધી આ ધૂમાડો દેખાતો હતો. એટલું જ નહીં કેમિકલ ગોડાઉનમાં લાગેલી આગને કારણે જીઆઈડીસીની આસપાસનું વાતાવરણ પીળા કલરનું થઈ ગયું હતું.

કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાને કારણે આ ઝેરી અસર થવાની પણ સંભાવના છે. આગ ઓલવવા માટે આવેલાં ફાયરબ્રિગેડનાં કર્મચારીઓએ માસ્ક પહેરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. તો કેમિકલને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોને ઘર ખાલી કરી દેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.