સુરત: પિતાવિહોણી દીકરીઓનાં પાલક પિતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી વિરુદ્ધ અપહરણની ફરિયાદ

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. બિલ્ડર ગૌતમ પટેલે મહેશ સવાણી સામે બિલ્ડરના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 3 કરોડની ઉઘરાણી માટે અપહરણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી પિતાવિહોણી દીકરીઓનાં સમૂહલગ્ન કરાવી દુનિયાભરમાં પ્રખ્યાત થયા છે. ત્યારે તેમના વિરુદ્ધ થયેલી આ ફરિયાદને કારણે સમગ્ર આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

હાલમાં જ સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં પિતાવિહોણી 273 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવીને મહેશ સવાણી દુનિયાભરમાં ચર્ચામાં આવ્યા હતા. માત્ર ગુજરાત જ નહીં, પણ દેશ અને વિદેશમાં પણ આ લગ્નોત્સવ ચર્ચામાં રહ્યો હતો. અને ચારે તરફ મહેશ સવાણીની પ્રશંસા થઈ રહી હતી. ત્યારે આ જ સમાજસેવક ઉપર બિલ્ડર ગૌતમ પટેલે ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર ગૌતમ પટેલે મહેશ સવાણી પાસેથી ઉધારના 3 કરોડ રૂપિયા લીધા હતા. અને એ 3 કરોડ રૂપિયાની ઉઘરાણી માટે મહેશ સવાણીએ અપહરણ કર્યું હોવાનો આરોપ બિલ્ડર ગૌતમ પટેલે લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી સુરત શહેરનાં એક જાણીતા ઉદ્યોગપતિ તો છે જ પણ સાથે સાથે તે એક ઉમદા સમાજસેવક પણ છે. છેલ્લા આઠેક વર્ષથી તેઓ પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવે છે. અને દર વર્ષે તે વધુમાં વધુ સંખ્યામાં પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ સુરતમાં પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન માટે પાનેતર લગ્નોત્સવનું આયોજન મહેશ સવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં હિન્દુ સહિત મુસ્લિમ અને અન્ય સમાજની યુવતીઓનાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.