સુરતના ચોકબજાર પોલીસમથકના હદ વિસ્તારમાં બુટલેગર તડીપાર હોવા છતાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાની ગૃહમંત્રીને ફરિયાદથી શુક્રવારે સમગ્ર ડી-સ્ટાફનું વિસર્જન કરી દેવાયું છે અને ચોક પીઆઇને ટ્રાફિકમાં મૂકી ડી-સ્ટાફના બે પીએસઆઇ અને છ પો.કો.ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ પો.કો.ને ટ્રાફિકમાં મૂકી દેવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલાં સિટીલાઇટ વિસ્તારમાં લોકદરબાર ભરાયો હતો.અને આ લોકદરબારમાં એક વ્યક્તિએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, ચોકબજાર પોલીસ મથકના વિસ્તારમાં બુટલેગરને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં પણ તે બિનધાસ્ત રીતે દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે. આ અડ્ડામાં ચોકબજાર પોલીસના ડી-સ્ટાફની જ ભૂંડી ભૂમિકા હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ બાદ બીજા જ દિવસે ચોકબજાર વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી બુટલેગર નરેશ ઉર્ફે નરિયાને ત્યાંથી અંદાજિત 9 લાખની મુદ્દામાલ સાથેનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને આટલો મોટો ક્વોલિટી કેસ થતાની સાથે જ ચોકબજાર પીઆઇ તેમજ ડી-સ્ટાફની સામે ફરિયાદ સાચી ઠરી હતી. આ રેડ બાદ ચોકબજાર પોલીસના પીઆઇ અને ડી-સ્ટાફના સસ્પેન્ડ કરવાની ગતિવિધિ શરૂ થઇ ગઇ હતી. પીઆઇની સામે ઇન્ક્વાયરીના આદેશો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. શુક્રવારે ચોક પીઆઇ એન.જી.ચૌધરીને ટ્રાફિકમાં મૂકી દેવાયા હતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એમ.બી.અસુરાને ચોકબજાર પોલીસનો હવાલો સોંપવામાં આવ્યો હતો.તેમજ આ ઉપરાંત ચોક ડી-સ્ટાફના પીએસઆઇ એમ.કે.ગઢવી અને પી.એન.પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલોમાં મહેશ, સાદુળ, વિજયસિંહ, અજિત, અનક, હર્ષદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોકબજાર પોલીસના ડી-સ્ટાફમાંથી પરાક્રમ, મહેન્દ્ર અને ઈશ્વરદાનને ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી હતી.
સમગ્ર ચોકબજાર પોલીસનો વહીવટ સંભાળતા કોન્સ્ટેબલ દર્શન દેસાઇને આ સમગ્ર મામલે બચાવી લેવાયો હોવાની ચર્ચા થઇ રહી છે.અને ચોકબજાર પોલીસમાં જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમાં દર્શન દેસાઇ વહીવટ કરી રહ્યો છે, પરંતુ જ્યારે પીઆઇની બદલી, ડી-સ્ટાફને સસ્પેન્ડ કરાયો ત્યારે દર્શનને તેની જગ્યાએ જ રહેવા દેવામાં આવ્યો હોવાની વાત ઘણુબધું કહી જાય છે. દર્શનની સામે શા માટે કોઇ પગલાં લેવાયાં નહીં..? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.