સુરત વરાછા પોલીસ મથકમાં ચોરીના ગુનાના આરોપીએ લોકઅપના બાથરૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. આરોપીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરીને પોલીસ પર મોટો આરોપ લગાવ્યો હતો. પરિવારે પોલીસ પર આરોપ મૂકતા જણાવ્યું કે પોલીસના મારને કારણે આપઘાત કર્યો છે. પરિવાર જનોની માંગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીના ચાર આરોપીની ધરપકડ કરી સુરતના વરાછા પોલીસને સોંપવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી 4 આરોપીઓની વરાછા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રવિવારે સવારે બ્રિજેશ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં ગયો હતો, ત્યારબાદ કલાકો વીતી ગયા પછી તે બહાર નહીં આવતા સાથી આરોપી દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ત્યાં પોલીસે બાથરૂમનો દરવાજો ખોલતા બ્રિજેશ લટકતો જોવા મળ્યો હતો.
આ ઘટના બન્યા બાદ પોલીસ દ્વારા તેને તાત્કાલિક સુરત સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ડોકટર દ્વારા તેનું મોત થયાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.