સુરતઃ ઓલપાડ નજીક આવેલા તળાવમાંથી બે યુવકોના મૃતદેહ મળવાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન આડાસંબંધો જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પ્રેમી સાથે લગ્ન કરવા છૂટાછેડા માંગ્યા પછી મનાઈ કરનારા પતિનો કાંટો કાઢી નાખવા પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો હતો અને પત્ની ખુશ્બૂની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક દિવસના રિમાન્ડમાં ખુશ્બૂને પતિ કમલ ઓછું ભણેલો હોવાથી ખૂંચતો હતો. જ્યારે પ્રેમી તુષાર ભણેલો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ સાથે કરતા હતા. જેથી પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હોવાનો વધુ એક ખુલાસો થયો છે.
મોરાભાગળ ખાંડાકુવા ખાતે રહેતા કમલ યોગેશભાઇ પટેલ (ઉ.વ.34)ના લગ્ન સાત વર્ષ પહેલાં સેગવા વસવારી ગામે રહેતા માજી સરપંચ રમેશભાઈ પટેલની દિકરી ખુશ્બૂ (ઉ.વ.28) સાથે થયા હતા. ખુશ્બૂ શિક્ષિકા તરીકે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ફરજ બજાવે છે. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં 3 વર્ષીય પુત્રી છે. 9 ધોરણ પાસ કમલ મોટર વાઇડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આશરે દોઢેક વર્ષ પહેલાં ખુશ્બૂ અડાજણ ખાતે યોજાયેલા એક વર્કશોપમાં ગઇ હતી. ત્યાં તેની મુલાકાત ઓલપાડના બરબોધન ગામમાં કુંભાર મહોલ્લામાં રહેતા તુષાર ઉત્તમભાઇ પટેલ (ઉવ.27) સાથે થઇ હતી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
પત્નીના પ્રેમ અંગે પતિને જાણ થઈ જતા ઝઘડો થયો હતો. જેથી પત્નીને છૂટાછેડા માટે કહ્યું હતું. જોકે, દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી છૂટાછેડાની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. 21મીના રોજ રાત્રે ખુશ્બૂ પતિ સાથે પિયર દીકરીને લેવા માટે સેગવા-વસવારી જવા નીકળી હતી અને કોસમ કંટારાગામ વચ્ચેના તળાવ પાસે પહોંચતા લધુશંકાના નામે બાઈક ઉભી રખાવી હતી. જ્યાં તુષાર પહેલાંથી હાજર હતો અને તેણે કમલને તળાવમાં ધક્કો મારતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, કમલે પણ તુષારને પકડી રાખતા બંને જણા તળાવમાં ગરક થઇ જતા મોતને ભેટ્યા હતા. આ કેસમાં તપાસ કરતા આડાસંબંધો જવાબદાર હોવાનું સામે આવતા કમલની પત્ની ખુશ્બૂની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.