સુરતમાં પ્રદર્શન અને વેચાણના નાના મેળાઓને મ્યુનિ.ની લીલી ઝંડી

– અન લોકમા છુટછાટ બાદ સુરતીઓએ વધુ તકેદારી રાખવી પડશે

– પાલિકા તથા સંસ્થાઓના મેદાનમાં દિવાળીની વસ્તુની ખરીદી માટેના સ્ટોલ શરૃ થયાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ મ્યુનિ. માટે મુશ્કેલ 

સુરતમાં અન લોકની ગાઈડ લાઈન બાદ મ્યુનિ. તંત્રએ ખાનગી તથા મ્યુનિ.ના પ્લોટમાં દિવાળી પહેલાં થતાં પ્રદર્શન કમ વેચાણના મેળાને લીલી ઝંડી આપી દીધી છે. દિવાળી આગળ ગણતરીના દિવસો બાકી છે ત્યારે મ્યુનિ.તંત્રએ આવા મેળાની પરવાનગી આપી છે. આવા મેળામાં વધુ લોકો ભેગા થતાં હોય કાવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો મ્યુનિ. માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. જો આવી જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમનું પાલન ન થાયતો શિયાળામાં કોરોના સંક્રમણ ફરી વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં અન લોકની પ્રક્રિયા શરૂ થવાના ભાગ રૂપે લગ્ન તથા અન્ય પ્રસંગોએ 200 લોકોને ભેગા થવાની મંજુરી આપી દીધી છે. આ ઉપરાંત મ્યુનિ.ના સરથાણા નેચર પાર્ક, કોમ્યુનીટી હોલ અને પ્રસંગો માટે પાર્ટી પ્લોટ ભાડે આપવાની પરવાનગી આપી છે. સુરતમાં સંક્રમણ હવે ઓછુ થતાં મ્યુનિ. તંત્રએ  મ્યુનિ.ના પાર્ટી પ્લોટ કે ખુલ્લા મેદાનમાં થતાં દિવાળીના વેચાણ કમ પ્રદર્શનના મેળાને લીલી ઝંડી આપી દીધી છે. જેના કારણે હાલમાં રાંદેર ઝોનના જોગાણી નગરની બાજુમા આવેલા મેદાનમાં આવા જ મેળાને મંજુરી આપવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના મજુરા ગેટ વિસ્તારમાં આવેલી સામાજિક સંસ્થાના મેદાનમાં પણ દિવાળીના પ્રદર્શન વેચાણ શરૂ કરવામાં આવશે. સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં મ્યુનિ. અને ખાનગી સંસ્થાના મેદાનમાં આગામી દિવસોમાં દિવાળીના પ્રદર્શન વેચાણના મેળા શરૂ થવા જઈ રહ્યાં હોવાથી મ્યુનિ.ની ચિંતામાં વધારો થયો છે. આવા મેળાઓમાં લોકોની ભીડ વધુ થતી હોય સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન કરવું જરૂરી છે. ભીડવાળા મેળાઓમાં માસ્કના નિયમનું પાલન ન થાય તો આગામી દિવસોમાં ઠંડી સાથે કોરોના સંક્રમણમાં પણ વધારો થાય તેવી ભીતી છે.

મ્યુનિ. તંત્રએ આવા મેળાઓને હાલ મંજુરી આપવા સાથે કોવિડની ગાઈડ લાઈનનું કડક પાલન કરવા માટે તાકીદ કરી છે. જોકે, આવા મેળાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમનું પાલન થાય તે મુશ્કેલ હોવાનું કહેવાય રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.