સુરતના પુણા વિસ્તારમાં આવેલા ગાયના તબેલામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ જે સમયે લાગી તે સમયે 14થી 15 જેટલી ગાયો-ભેંસો તબેલામાં હતી. આ આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ એકઠાં થઇ તબેલામાં રહેલી ગાયોને તાત્કાલિક બહાર કાઢી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તબેલાની નીચે કેટલીક દુકાનો આવેલી છે. દુકાનમાં પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારબાદ આગ તબેલામાં રહેલા ઘાસમાં પ્રસરી હતી. તબેલાની ઉપર નાંખવામાં આવેલા પતરા પર મોટી માત્રામાં સુકા ઘાસનો જથ્થો આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘાસ અને લાકડાં આગની ઝપેટમાં આવતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તબેલાની છત પર પતરા નાંખવામાં આવ્યા હોવાના કારણે ફાયર ફાયટરોને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આગની ઘટનાને પગલે કાપોદ્રા, ડુંભાલ અને કતારગામ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. જોકે, આગ કયા કારણે લાગી હતી તેનું કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે તબેલા પર બનાવવામાં આવેલા પતરાના શેડ દૂર કરવા પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.