સામાન્ય સંજોગોમાં કોઇ નિઃસંતાન દંપતી બાળક દત્તક લે તેવું તમે સાંભળ્યું પણ હશે અને જાણ્યું પણ હશે. પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે પોલીસ કર્મચારી એક એક વિસ્તાર દત્તક લે. નહીં સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે કારણ કે આવો અભિગમ અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યો નથી અને ત્યારે ચાલો જાણીએ કે આવો નવતર અભિગમ કોણે અપનાવ્યો? શા માટે અપનાવ્યો? કઈ જગ્યાએ અપનાવ્યો?
આપણે વાત કરી રહ્યા છીએ સુરત રેન્જ આઇજીપી ડો. રાજકુમાર પાંડિયનની. જેમણે આવો નવતર અભિગમ અપનાવ્યો છે.અને સુરતના કડોદરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને ધ્યાને લઈ તેમણે સરવે કર્યો તો ખ્યાલ આવ્યો કે મોટા ભાગે માતા-પિતા બન્ને કામ પર જતા રહે. આખો દિવસ છોકરાઓ ઘરે એકલા જ હોય. એ સમયે ગુનેગારોને મોકળું મેદાન મળી જાય એ સહજ છે.
તેવી સ્થિતિને નિવારી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે ડો. રાજકુમાર પાંડિયનનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે હાલ પૂરતો આ નિર્ણય કડોદરા પૂરતો મર્યાદિત છે. જેમાં પરપ્રાંતીઓની વસતિ જ્યાં વધુ છે તેવા રહેણાંકના વિસ્તારો તેમજ જ્યાં વધુ માત્રામાં કારખાનાં છે તેવા વિસ્તારોને પસંદ કરવામાં આવશે. જેમાંથી થોડો ચોક્કસ નક્કી કરેલો વિસ્તાર એક એક પોલીસ કર્મચારીને દત્તક આપવામાં આવશે. એટલે કે આ વિસ્તારમાં કાંઈ પણ ગતિવિધિ થાય તો તેની જવાબદારી જે તે દત્તક લેનારા કર્મચારીને રહેશે.
આ કર્મચારીએ પોતાના દત્તક લીધેલા વિસ્તારના આગેવાનોને સમયાંતરે મળવાનું, સમસ્યા હોય તો તે જાણી તેનો નિકાલ કરવાનું, અને કોઈ દૂષણ હોય તો તે દૂર કરવાનું કામ કરવાનું રહેશે. એક એવી પણ ફરિયાદ મળી હતી કે કેટલાક શ્રમિકો દારૂ, ગાંજો, ચરસ વગેરેનો નશો કરીને કારખાને કામ પર આવે છે. આ વાતને કેન્દ્રમાં રાખી જે તે વિસ્તાર દત્તક લેનારા પોલીસ કર્મચારી દૂષણ ડામવા પણ કાર્યરત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.