કોરોના વાયરસને કારણે જ્યારે સમગ્ર દેશમાં 22 માર્ચ રવિવારે જનતા કર્ફ્યુ રાખવામાં આવશે ત્યારે શનિવારથી જ તેની અસર જોવા મળી હતી. સુરત શહેરમાં શનિવાર બપોર સુધીમાં એક પછી એક દુકાનો, માર્કેટ, હોટલો, ખાણીપીણીની લારીઓ બંધ થઈ ગઈ હતી. સવારે થોડાક કલાકો માટે લોકોએ દુકાનો ખોલી હતી પરંતુ સ્વવિવેક જાળવીને લોકોએ સાવચેતીના પગલા રૂપે બપોરે 12 વાગ્યા સુધીમાં સેલ્ફ લોકડાઉન કરી લીધું હતું. જોકે દવાની દુકાન, શાકભાજી, કરિયાણા વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહી હતી.
શનિવાર બપોર બાદથી સુરત શહેર જાણેકે સમેટાઈ ગયુ હતું. શહેરનાં મુખ્ય બજારો બંધ થઈ ગયા હતાં. સુરત મહાનગર પાલિકાની ટીમ લોકોને સમજાવવા ચૌટા બજાર, શહેરનાં મુખ્ય માર્ગો તેમજ ખાણીપીણી લારીઓ તેમજ અન્ય જગ્યાઓએ પહોંચી હતી. અહીં લોકોએ એક નાગરિક તરીકે લોકોએ પોતાની જવાબદારી સમજી દુકાનો બંધ કરી દીધી હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં ટેક્સટાઇલ માકેર્ટની બધીજ દુકાનો બંધ કરી દેવાઈ હતી. હીરા બજાર પણ બંધ રહ્યું હતું. ચૌટા બજારની દુકાનો પણ બપોરે 1 વાગ્યા સુધીમાં બંધ થઈ ગઈ હતી. રિંગરોડ, મુખ્યમાર્ગ, વરાછા રોડ, કતારગામ, રાંદેર રોડ પર બપોર સુધીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રેલવે અને એસટી સ્ટેશન પર પણ કાગડા ઉડતા દેખાયા હતાં. સેલ્ફ લોકડાઉનને પગલે શાકભાજી તેમજ કરિયાણાની વસ્તુઓ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દવાની દુકાનો પર પણ લાઈનો લાગી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.