સુરત: શાકભાજીનું વેચાણ શરૂ થતાં અનેક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

– શાકભાજી વેચાણમાં નિયમોનું પાલન મુશ્કેલ

છુટક શાકભાજીનું વેચાણ શરૂ થતાં કેટલાક વિસ્તારમાં ફરી એક વાર ટોળા દેખાયાઃ તો કેટલાક વિસ્તારમાં નિયમોનું ચુસ્ત પાલન જોવા મળ્યું 

 

સુરતમાં આજથી શાકભાજીનું વેચાણ શરૂ થતાંની સાથે જ અનેક જગ્યાએ શાકભાજીની ખરીદી કરવા માટે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતાં આગામી દિવસોમાં સંક્રમણ વધે તેવી શક્યતા નકારી શકાતી નથી. આજે શાકભાજીના વેચાણની સાથે જ કેટલાક વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા.

વેચાણ માટે મ્યુનિ.ની કડક સુચના હોવા છતાં પણ ડબ્બા પેમેન્ટની વ્યવસ્થા કોઈ જગ્યાએ જોવા મળી ન હતી. જ્યારે કેટલાક વિસ્તારમા મ્યુનિ.ના નિયમોનું સુસ્ત પાલન થતું હોવાનું જોવા મળ્યું હતું.

પાંચ દિવસના પ્રતિબંધ બાદ આજથી સુરતમાં છુટક શાકભાજી મળવાનું શરૂ થતાં જ લોકો શાકભાજી ખરીદવા માટે અધીરા બન્યા હોય તેવું અનેક વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે તેવા સેન્ટ્રલ ઝોનના ગલીઓમા શાકભાજીની લારીવાળાનો ઝમેલો થઈ ગયો હતો. આટલું નહી પરંતુ ખરીદી માટે લોકો સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક વિના જ ભેગા થયેલા દેખાયા હતા.

સેન્ટ્રલ ઝોન ગીચ વિસ્તાર હોવા સાથે કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આવી ભીડ ફરી વાર સંક્રમણ વધારી શકે તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે. મ્યુનિ. તંત્રએ ડબ્બા પેમેન્ટ માટે નિયમ જાહેર કરવામા આવ્યા હતા તેનો સેન્ટ્રલ ઝોનમાં કોઈ જગ્યાએ અમલ થતો દેખાયો ન હતો.

જોકે, બીજી તરફ અઠવા ઝોનમાં મ્યુનિ.એ જાહેર કરેલા નિયમોનું ચુસ્ત પાલન થતું જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં શાકભાજીની લારીઓ દુર દુર ઉભા રહેવા સાથે ડબ્બા પેમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્કનો ઉપયોગ જોવા મળ્યો હતો.

સુરત મ્યુનિ.એ શાકભાજી માટે નિયમ બનાવ્યા છે તેનું પાલન અઠવા ઝોનની જેમ અન્ય જગ્યાએ થાય તેવું મ્યુનિ. તંત્ર ઈચ્છી રહ્યું છે પરંતુ જો સેન્ટ્રલ ઝોનની જેમ જો નિયમોનો ભંગ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધી પણ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.