સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં, મડદાનો ચાલી રહ્યો છે ધંધો, ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નહીં

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમના કર્મચારીઓ દ્વારા પરપ્રાંતિયો પાસે મૃતદેહ પેકિંગ કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.સંખ્યાબંધ ફરિયાદો હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ખાસ કરીને પરપ્રાંતિયોના મોત બાદ મૃતદેહ પરિવાર મૂળ વતનમાં લઇ જવા માટે તૈયારી કરતા હોય છે, ત્યારે હોસ્પિટલના સ્ટાફના માણસો દ્વારા બોડી પેકિંગના નામે રૂ.5થી 15 હજારની માંગણી કર્યા બાદ 1500થી 3000 રૂપિયા પડાવી લેવામાં આવે છે.

સ્મીમેર હોસ્પિટલમાં દરરોજ 5થી 7 જેટલા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આવતા હોય છે. જેમાં ખાસ કરીને મોટા ભાગના પોસ્ટમોર્ટમ પરપ્રાંતિય અને સૌરાષ્ટ્રના લોકોના કરવામાં આવે છે. વરાછા, કાપોદ્રા, ઉધના, લિંબાયત, ડિંડોલી અને અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તબીબો તો પોસ્ટમોર્ટમ કરીને એસી ઓફિસમાં બેસી જાય છે, પરંતુ ગરીબ અને પરપ્રાંતિય લોકોને લૂંટી લેવામાં આવે છે.

આ સાથે સ્ટાફ દ્વારા કેમીકલથી બોડીને કવર્ડ કરી આપવાના નામે રૂ.5000થી 15000ની માંગણી પરપ્રાંતિય પરિવાર પાસે માંગણી કરવામાં આવે છે. પરિવાર પાસે રૂપિયાની સગવડ નહીં હોવાથી તેને ઓછા કરવા આજીજી કરવામાં આવે છે. જો કોઇ નાણાં નહીં આપી શકે તો છેલ્લા પાંચસો રૂપિયા પણ ખંખેરી લેવામાં આવે છે. આ મામલામાં સ્ટાફના કિશોર અને વિનોદ સામે સંખ્યાબંધ ફરિયાદો વારંવાર કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે.

તમામ કામગીરી મફતમાં કરી આપવામાં આવે છે
સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પોસ્ટમોર્ટમની તમામ કામગીરી મફતમાં કરી આપવામાં આવે છે. પરંતુ સ્ટાફ દ્વારા રૂપિયા લેતા હોવાની ફરિયાદ આવશે તો તેની ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કવાયરી શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.