– સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ સંક્રમણનું કારણ
– કમિશ્નર સેંકડો વખત સોશ્યલ ડિસ્ટન્સના પાઠ ભણાવી ચુક્યા છે
કોરોના અટકાવવા માટે સુરતીઓને સોશ્યલ ડિસ્ટન્સના પાઠ ભણાવનારા મ્યુનિ.કમિશ્નર અને મ્યુનિ.ના ભાજપ શાસકો સોશ્યલ ડિસ્ટન્સ ભુલી ગયા હતા. કોરોના અંગેની પત્રકાર પરિષદની માહિતી માટે મ્યુનિ. કમિશ્નર અને પદાધિકારીઓએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. આટલું જ નહીં પરંતુ મ્યુનિ.કમિશ્નર અને પદાધિકારીઓ સામે મિડિયા કર્મીઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વિના જ ઉભા હતા. આજે પત્રકાર પરિષધ હતી તેમાં એકાદ વ્યક્તિ જો કોરોના પોઝીટીવ હોય તો અનેક લોકોને સંક્રમણ થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
કોરોનાની શરૂઆતથી આજ સુધી સુરતીઓને સોશ્યલ ડિસ્ટન્સના પાઠ સેંકડો વખત સુરત મ્યુનિ.કમિશ્નર બન્છાનિધિ પાની ભણાવી ચુક્યા છે. સોશ્યલડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે લોકડાઉન દરમિયાન રોજ મ્યુનિ.કમિશ્નર સોશ્યલ મિડિયા થકી બ્રિફીંગ પણ કરતાં હતા. જ્યારે સંક્રમણ ઓછું હતું ત્યારે મેયર ડો. જગદીશ પટેલ અને મ્યુનિ.કમિશઅનર બન્છાનિધિ પાની સોશ્યલ મિડિયાનો ઉપયોગ ભરપુર કરતાં હતા. પરંતુ હવે લોકડાઉન બાદ સંક્રમણ ખુબ જ વધી રહ્યુ છે અને હોસ્પીટલમાં દર્દીઓને જગ્યા પણ ન મળે તેવી સ્થિતિ આવી ગઈ છે ત્યારે શાસકો અને કમિશ્નરે પત્રકાર પરિષદ બોલાવી હતી.
સુરતમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનારા લોકો પાસે લાખો રૂપિયાનો દંડ વસુલનારા અને બે ગજની દુરી રાખીશું તેવા સપથ લેનારા મ્યુનિ.કમિશ્નર, મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પત્રકાર પરિષદમાં બે ખુરશી વચ્ચે એક ઈંચની પણ જગ્યા રાખ્યા વિના બેઠા હતા. આટલું જ નહીં તેમની સામે મિડિયા કર્મીઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ વિના ઉભા જોવા મળ્યા હતા. લોકોને સોશ્યલ ડિસ્ટન્સના પાઠ ભણાવવામાં આવે છે તે મ્યુનિ. કચેરી અને મ્યુનિ.ના અધિકારીઓએ પોતે જ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા તે મુદ્દે આજે મ્યુનિ. કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કોરોના કેર એટ હોમ પર પણ ભાર મુકાયો
સુરતમાં આગામી દિવસોમાં કોરોનાના કેસમાં મોટી સંખ્યામાં વધારો થાય અને દર્દીઓને સારવાર માટે બેડ ન મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિ નિવારવા માટે મ્યુનિ. તંત્રએ ખાનગી હોસ્પીટલ સાથે કરાર કર્યા છે. તેમ છતાં ઓછા લક્ષણ ધરાવતાં દર્દીઓ ઘરે જ સારવાર લે તે માટે મ્યુનિ. તંત્ર આયોજન કરી રહ્યું છે. કોરોના કેર એટ હોમ પર હાલ મ્યુનિ.તંત્ર ભાર મુકી રહી છે.
કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થાય અને સામાન્ય લક્ષણ ધરાવતાં દર્દી પણ હોસ્પીટલમાં દાખલ થાય તેવા સંજોગોમાં ગંભીર લક્ષણ ધરાવતાં દર્દીઓની હાલત કફોડી બની શકે છે. આવા સંજોગોમાં ઓછા લક્ષણ ધરાવતાં અને ઘરે પોતે આઈસોલેટેડ રહે અને ઘરના સભ્યોને પણ આઈસોલેટેડ રાખી શકે તેવા લોકો માટે ઘરે સારવારનો વિકલ્પ ઉત્તમ હોવાનું મ્યુનિ. તંત્ર કહી રહી છે.
હાલમાં સુરત મ્યુનિ. તંત્ર કોરોના કેર એટ હોમ સુત્ર પર ભાર મુકીને ઓછા લક્ષણવાળા દર્દીઓ ઘરે સારવાર કરી શકે તેના પર ભાર મુકી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.