સુરત:દિવાળીનો તહેવાર.ખીચોખીચ સુરતનું રેલવે સ્ટેશન.યાત્રીઓનો જમાવડો. પ્લેટફોર્મ, ટિકિટબારી, રિઝર્વેશન સેન્ટર. ટ્રેન. દરેક જગ્યા પર પગ મુકવાની જગ્યા નહીં. જ્યાં રોજ સરેરાશ એક ટ્રેનના સમયે 500 આસપાસ યાત્રીઓ હોય ત્યાં સંખ્યા હજારો પર પહોંચે તો આવી સ્થિતિ બને જ. પ્લાન કરીને ચાલતા યાત્રીઓ 90 દિવસ પહેલા રિઝર્વેશન કરાવી લેતા હોય છે જ્યારે નોકરિયાત-કામદાર વર્ગે સમય પર જ પ્લાનિંગ કરવું પડે છે. જોકે, ઘણાં તો રિઝર્વેશનનો ચાર્જ ચુકવી શકતા નથી પરિણામે કરંટ ટિકિટ લઈ યાત્રા કરવા મજબૂર બને છે. વિશ્વમાં સૌથી મોટા રેલ નેટર્વક ધરાવતા ભારતમાં લોકલ, મેમુ, ડેમુ સિવાયની એકાદ ટ્રેન છોડીને તમામ ટ્રેનોમાં માત્ર બેથી ચાર જ જનરલ કોચ હોય છે એટલે કે કરંટ ટિકિટ લઈ યાત્રા કરવા ઈચ્છનારો ટ્રેન યાત્રાળુ વર્ગ 80 ટકા જેટલો હોવા છતા તેના માટે 300 જેટલી જ બેઠક વ્યવસ્થા ટ્રેન ઉપડે અને ગંતવ્ય સ્થળ સુધી પહોંચે ત્યાં સુધીની રખાય છે!! એવામાં પ્રિમિયર ટ્રેન કહેવાતી શતાબ્દી, રાજધાની, ડબલ ડેક્કર જેવી ટ્રેનોમાં તો જનરલ કોચ તો હોતા જ નથી. સુરતના ઉધનાથી એક અંત્યોદય ટ્રેન પુરેપૂરી વિધાવુટ રિઝર્વેશન દોડાવાય છે. હાલ દિવાળી અને ત્યારબાદ છઠ્ઠપૂજા માટે વતન જવા યુપી-બિહારવાળી ટ્રેનોમાં હકડેધડ ભીડ છે. તાપ્તીગંગા, અવધ, પુરી, દાનાપુર, ભાગલપૂર વગેરે ટ્રેનોમાં તો રિઝર્વેશન માટે નો રૂમ છે એ વાત તો માનીએ પણ આ રિઝર્વ કોચમાં પણ કરંટ ટિકિટ લઈ પેસી ગયેલા યાત્રીઓને પણ પગ મુકવાની જગ્યા નથી મળતી. રેલવેના અધિકારીઓ કહે છે કે 29 તારીખ સુધી તો તમામ ટ્રેનોમાં આવી જ હાલત રહેવાની છે.
જેટલા ટ્રેનમાં બળજબરીથી બેસી જાય છે તેટલા તો પ્લેટફોર્મ પર જ રહી જાય છે. આંકડા બતાવતા અધિકારીઓ કહે છે કે તા. 22એ 47000 યાત્રીઓ સુરત સ્ટેશનેથી ગયા (આાવક-97 લાખ), તા. 23એ 52000 યાત્રી ગયા (આવક-1.06 કરોડ), તા.24એ 60000 યાત્રીઓ (આવક-1.52 કરોડ), તા. 25 એટલે કે દિવાળીના એક દિવસ પહેલા 64 હજાર યાત્રીઓ ગયા. (આવક 1.46 કરોડ ). લગાતાર સંખ્યા 4000થી 5000 યાત્રીઓની વધતી જઈ રહી છે એવામાં સ્ટેશનની સાથે 24 કોચની ટ્રેન પણ યાત્રીઓને લઈ જવા ટાંચી પડી રહી છે. એક રિઝર્વેશન કોચમાં 72 સીટ આવે છે તેમાં પણ વગર રિઝર્વેશનવાળા ભરાય જાય છે અને કોઈને આવા સમયે રેલવે રોકી શકતું નથી. જેમણે 3 કલાક પહેલા ટિકિટ લીધી હોય અને ટ્રેનમાં ચઢવાના રહી જાય છે તેઓને રિફંડ પણ મળતું નથી એટલે બાવાના બેઉ બગડે છે. સવારની ટ્રેન હોય તો યાત્રીઓ આગલા દિવસે રાતથી જ કતાર લગાવે છે છતા યાત્રા કરી શકતા નથી. આવી સ્થિતિથી નીકળવા અને વર્ષોથી રેલવેએ પ્રયાસ નથી કર્યા. ટ્રેનો વધે છે. હોલીડે ટ્રેનો પણ દોડાવાય છે પણ પ્રોપર ફ્રિકવન્સી સેટ કરી શકાતી નથી. હોલીડે જો આખેઆખી જનરલ કોચની દોડાવાય તો કદાચ રાહત મળી શકે પણ રેલવેને કમાણીમાં વધુ રસ છે. 80 ટકા સામાન્ય યાત્રીઓને સુચારું સેવા આપવામાં નહીં એવું સ્પષ્ટ થાય છે. બીજુ તરફ, પોલીસ અને આરપીએફ પણ વ્યવસ્થા સાચવી નથી શકતું. આરપીએફએ 28નો સ્ટાફ એકસ્ટ્રા લગાવ્યો છે. જીઆરપીએ પણ હોમગાર્ડ તેડાવી મુક્યા છે પણ અરાજકતા એટલી છે કે તેઓ સુરક્ષા પુરેપૂરી પ્રદાન કરવામાં અક્ષમ છે. ચીટરોને ફાવતું મળી ગયું છે. મોબાઈલ, સામાન, પર્સ ચોરીની ઘટના વધી ગઈ છે પણ પોલીસ-આરપીએફ લાચાર છે!
કામદારો જલ્દી પરત નહીં ફરે: સુરત રેલવે સ્ટેશને યુપી-બિહાર જતા કેટલાક યાત્રીઓને અમે પુછ્યું કે દિવાળી અને બાદમાં છઠ્ઠ પૂજા છે. હાલ ડાયમંડ અને ટેક્સટાઈલમાં વેકેશન છે તો ત્યારબાદ તો પરત ફરશો ને? જવાબ ના હતો. કામદારોનું કહેવું હતું કે અમે છેલ્લા ઘણાં મહિનાથી ઈ-રેગ્યુલર જોબ કરી રહ્યાં છીએ. મંદીને કારણે પુરતું કામ મળતું નથી. અહીં રૂમ ચલાવવી ભારે પડી જાય છે. આ તો મોકો છે વતન જવાનો પણ ત્યાં ઘરના ઘરમાં રહીને જે કઈ મજૂરી કામ મળશે તે કરીને બે ટંકનું ભોજન તો મળી જ રહેશે. બાકી હાલ સુરતમાં ધંધા-રોજગારની સ્થિતિ સારી નથી એટલે બે-ચાર મહિને તો પરત ફરવાનો કોઈ પ્લાન નથી. હા, સ્થિતિ સુધરશે તો વિચારીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.