ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયા પણ વરસતા વરસાદમા અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા : આરોગ્ય કેન્દ્રની પણ લીધી મુલાકાત ;
–
બીજેપીના સ્વયંસેવકો તથા જિલ્લા વહીવટી તંત્રની ટિમ ઘટના સ્થળે પહોંચી બચાવ રાહત કામગીરીમા જોડાયા :
–
માર્ગ મકાન અને પ્રવાસન મંત્રી શ્રી પૂરણેશભાઈ મોદી સહિત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટલે પણ તંત્રના સંપર્કમા રહ્યા :
–
(સાપુતારા)તા: ૧૦: ગિરિમથક સાપુતારાની સહેલગાહે આવેલી સુરતની એક પ્રવાસી બસ તા.૯ મી ની મોડી સાંજે માલેગામના ઘાટ માર્ગમા પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના માર્ગ મકાન મંત્રી શ્રી પુરણેશભાઈ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કર્મઠ કાર્યકરો ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભેખભા મિલાવી, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો સહિત આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર્થે ખસેડવામા આવ્યા હતા.
દરમિયાન ડિઝાસ્ટર અને આરોગ્ય વિભાગની ટિમ સાથે બીજેપીના સ્વયંસેવકો, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસની ટિમ સહિત ખુદ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા પણ વરસતા વરસાદમા ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યાંથી તેમણે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી, જાત માહિતી મેળવી તંત્રને દિશાનિર્દેશ આપ્યા હતા.
ઘટના અંગે મંત્રી શ્રી પુરણેશભાઈ મોદી સહિત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટલે પણ સતત વહીવટી તંત્ર સાથે સંપર્ક સેતુ જાળવી રાખી, યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
સાપુતારા ઘાટ માર્ગમા બનેલા આ કમનસીબ બનાવ સંદર્ભે સુરતના શ્રી નિકુંજભાઈ પોપટભાઈ ધડુકે, તા૯/૭/૨૦૨૨ના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે બનેલા આ અકસ્માત અંગેની ફરિયાદ, સાપુતારા પોલીસ મથકે મોડી રાત્રે નોંધાવી હતી.
આ ફરિયાદમા જણાવ્યા મુજબ લક્ઝરી બસ નંબર : GJ 02 W 0150 ના ડ્રાયવર શ્રી સુશીલભાઈ ગોવિંદભાઇ સાવલિયા એ, ઘાટ માર્ગમા પુર ઝડપે અને ગફલતભરી રીતે તેમનુ વાહન હંકારતા, સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પ્રવાસી બસ પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને પચ્ચીસેક ફૂટ નીચે ખીણમા ખાબકી હતી. જેને કારણે કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થવા સાથે, બે મહિલાઓના કરુણ મૃત્યુ થવા પામ્યા છે.
અકસ્માતમા મૃત્યુ પામનારાઓની યાદી
૧) સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉ.વ.૪૫, રહે.અડાજણ, સુરત.
૨) કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉ.વ.૪૨, રાંદેર, સુરત
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.