સુરતમાં ટ્રેડ ગોલ્ડ માઇ નામે કંપની શરૂ કરી લોભામણી લાલચના નામે લાખ્ખોની ઠગાઇ

ઘોડદોડ રોડ સ્થિત વેસ્ટ ફિલ્ડ શોપીંગ સેન્ટરમાં ટ્રેડ ગોલ્ડ માઇ નામની કંપની શરૂ કરી તેની અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી રૂા. 3.67 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ જનાર બે ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે.

સરથાણા જકાતનાકા સ્થિત નવજીવન સોસાયટીની બાજુમાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા શાંતિલાલ ગોરધન સુવાગીયાએ શિવમ શ્રવણ તિવારી અને મનોજ નામના બે ભેજાબાજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે શિવમ અને મનોજે ઘોડદોડ રોડ સ્થિત સૂર્યકિરણ એપાર્ટમેન્ટની બાજુમાં વેસ્ટ ફિલ્ડ શોપીંગ સેન્ટરના બીજા માળે યુજી 2 નંબરમાં ટ્રેડ ગોલ્ડ માઇ નામની કંપનીની શરૂઆત કરી હતી.

કંપનીમાં રોકાણ માટે અલગ-અલગ સ્કીમ બાવી લોકોને ટુંકા સમયમાં સારા વળતરની લોભામણી સ્કીમ આપતા હતા. જે અંતર્ગત શિવમ અને મનોજે શાંતિલાલને પણ અલગ-અલગ સ્કીમમાં રૂા. 3.67 લાખનું રોકાણ કરાવ્યું હતું.

પરંતુ ત્યાર બાદ વળતર આપવાના સમયે રાતોરાત ઓફિસને તાળા મારી બંને ભેજાબાજ ભાગી ગયા હતા. શિવમ તિવારી ટ્રેડ ગોલ્ડ માઇ કંપનીના એમડી તરીકે અને મનોજ મેનેજર તરીકે પોતાની ઓળખાણ આપતા હતા. આ રીતે તેમણે માત્ર શાંતિલાલ સુવાગીયાને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ રોકાણની લાલચ આપી લાખ્ખો રૂપિયા પડાવ્યાની આશંકા છે. ઘટના અંગે શાંતિલાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.