શતાબ્દી ટ્રેનમાં પીસરાયેલા વાસી બ્રેડ-બટર આરોગતા બોરીવલીની ૩૩ મહિલા મુસાફરોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. ટ્રેનમાં કેટરિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બ્રેકફાસ્ટમાં બ્રેડ-બટર પીરસ્યા હતા. આ બ્રેડ-બટર ખાધા બાદ બોરીવલીની ૩૩ મહિલાઓને ઊલટી થઇ હતી. દરમિયાન રેલવેની સુવિધાથી નારાજ મહિલા મુસાફરોએ પૂરેપૂરું ભાડું પરત આપવાની માંગ કરી ટ્રેનને ૧૦થી ૧૫ મિનિટ સુધી સુરત રેલવે સ્ટેશન પર થંભાવી રાખી હતી.
મંગળવારે સવારે શતાબ્દી ટ્રેન મારફતે બોરીવલીથી ૩૩ મહિલાઓ સુરત પિકનિક માટે આવી હતી. પોંક અને ઊંધિયાની જયાફત માણવા આવેલી મહિલા મુસાફરોને ટ્રેનમાં બ્રેડ-બટર પીરસવામાં આવ્યું હતું. બ્રેડ-બટર ખાધા બાદ ૩૩ મહિલા મુસાફરોને ભેસ્તાન રેલવે સ્ટેશન નજીક ઊલટી થતાં તેઓએ ચેઇન પુલિંગ કરી ટ્રેનને ભેસ્તાન રેલવે સ્ટેશને થંભાવી દીધી હતી. ટ્રેનનું ચેઇન પુલિંગ થતાં અધિકારીઓ દોડતાં થઇ ગયા હતા. અંતે યાત્રીઓને સમજાવી ટ્રેનને સુરત રેલવે સ્ટેશન પર લાવવામાં આવી હતી. મહિલા મુસાફરોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળતાં સુરત રેલવે સ્ટેશન પર પહેલાથી ડોક્ટરની ટીમ તહેનાત કરી દેવાઇ હતી. તેમજ ટ્રેન થોભતા જ મહિલાઓને સારવાર આપવામાં આવી હતી.
જોકે, રેલવેની સુવિધાથી નારાજ મહિલા મુસાફરોએ ટિકિટનું પૂરેપૂરુ ભાડું પરત આપવાની માંગણી સાથે ચેઇન પુલિંગ કરી ટ્રેનને સુરત સ્ટેશને અટકાવી રાખી હતી. મહિલાઓ જીદે ચઢતાં સ્ટેશન ડાયરેક્ટર, આરપીએફ સહિતનો સ્ટાફ કોચમાં પહોંચી મહિલાઓની સમજાવી હતી. ત્યારબાદ ટ્રેનને રવાના કરી તમામ મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. ઉપરાંત જરૂર જણાય તે મુસાફરોને દવા આપવામાં આવી હતી. બનાવને પગલે ટ્રેન તેના નિયત સમય કરતાં ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી હતી. ભારે હોબાળો થતાં રેલવેતંત્ર તાબડતોડ ફૂડ કેટરિંગ એજન્સી સનસાઇન કેટરિંગને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.