સુરત: ઉકાઈથી પાણી છોડવાનું ઓછું થતાં રિવર ફ્રન્ટમાંથી પાણી ઓસર્યા, ખાડી છલોછલ

જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતાં ખાડીનું લેવલ ઘટયું જોકે, હજી કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી, ડિવોટરીંગની કામગીરી સામે પ્રશ્ન

સુરત જિલ્લામાં વરસાદનો વિરામ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો થતાં સુરતીઓએ રાહતનો દમ લીધો છે. ઉકાઈથી પાણી છોડવાનું ઓછું કરાતા અડાજણ રિવરફ્રન્ટના ઘુસેલા પાણી ઓસરી ગયાં છે. જ્યારે જિલ્લામાં વરસાદ ધીમો પડતાં સુરતમાંથી પસાર થતી ખાડીનું જળ સ્તર નીચુ આવ્યું છે. જોકે, હજી પણ લિંબાયત મીઠી ખાડીના પાણી અનેક વિસ્તારમાંથી ઉતર્યા નથી. જેના કારણે મ્યુનિ.ની ડિવોટરીંગની કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે.

સુરતમાંથી પસાર થતી તાપી નદી પર ઉકાઈ ખાતે બનાવવામાં આવેલા ડેમમાંથીપાણી છોડવાનું ઓછું કરવા સાથે તાપી કિનારાના જિલ્લાના ગામોમાં પણ વરસાદનું જોર ઘટી જતાં સુરતના અડાજણ રિવર ફ્રન્ટમાં પાણી હતા તે આજે સવારે ઓસરી ગયાં છે. તાપી નદી બન્ને કાંઠે વહેતી હોવા સાથે સુરતમાં દેમાર વરસાદના કારણે  સુરતીઓમાં ગભરાટ ફેલાયો હતો.

જોકે, આજે રિવર ફ્રન્ટ સહિત અન્ય જગ્યાએ ભરાયેલા પાણી ઉતરી જતાં લોકો સાથે તંત્રને પણ રાહત થઈ છે. તાપી ઉપરાંત જિલ્લામાંથી આવતી અને સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ જિલ્લાના વરસાદના કારણે છલોછલ છે. મીઠી ખાડીએ તેનું ભયજનક લેવલ ક્રોસ કરી દીધું હતું.

જેના કારણે  ખાડી કિનારાના અનેક વિસ્તારમાં પાણી આવી ગયાં હતા. મ્યુનિ. તંત્ર દ્વારા ડિવોરટીંગની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ યોગ્ય મશીનરી ન હોવાથી પાણી ઉતરી શક્યા ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે લિંબાયતમાં પુરના પાણી ઉલેચવાની કામગીરી ઘણી જ ધીમી થઈ રહી છે. તેના કારણે ગંદકી થતાં સ્થાનિકોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે.

મ્યુનિ.ની આ કામગીરી સામે આજે બપોરે લિંબાયત ઝોનમાં રજુઆત પણ કરવામાં આવી હતી. જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને ખાડીઓ છલોછલ છે. જો જિલ્લામાં વરસાદ પડે તો ફરી ખાડી પુર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.