સુરતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા મનીષ રયાણીએ મોકલેલો રૂ.2.39 લાખનો દારૂ નાનપુરા બારાહજારી મહોલ્લામાંથી ઝડપાયો

નાનપુરાના બે બુટલેગર કામરેજથી મનીષ રયાણી તેમજ આસીફ ગાંડાના સાગરીતો પાસેથી કારમાં દારૂ લાવી નાનપુરાની અમૃતા કહાર અને રાજુને આપવાના હતા

સમગ્ર સુરતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા મનીષ રયાણી અને આસીફ ગાંડાના સાગરીતોએ મોકલેલો રૂ.2.39 લાખનો દારૂ કારમાં લઈ નાનપુરાની અમૃતા કહાર અને રાજુને આપવા જતા નાનપુરાના બે બુટલેગરને ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વહેલી સવારે નાનપુરા મેઈન રોડ ઉપરથી ઝડપી પાડી કુલ રૂ.3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે મનીષ રયાણી, દિપક રાજપૂત, યોગેશ ચૌહાણ, અમૃતા કહાર અને રાજુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે વહેલી સવારે નાનપુરા બારાહજારી મહોલ્લો શંકર ધોબીની ગલીમાં વોચ ગોઠવી હતી. થોડીવારમાં બાતમી મુજબની કાર ( નં.એમએચ-01-પીએ-4053 ) આવતા તેને અટકાવી જડતી લેતા તેમાં પાછળની સીટ ઉપરથી અને ડીકીમાંથી રૂ.2,38,800 ની મત્તાની વ્હીસ્કી અને રમની કુલ 1020 બોટલ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી હિતેશ ઉર્ફે હિતેશ કેસેટ નટવરભાઈ સોલંકી ( ઉ.વ.35, રહે.1/2258, એકતા સર્વિસ સ્ટેશન પાસે, ખંડેરાવપુરા, નાનપુરા, સુરત ) અને વિનોદ ઉર્ફે ભગત વિજયભાઈ કહાર ( ઉ.વ.40, રહે.ફ્લેટ નં.201, યશ એપાર્ટમેન્ટ, બારાહજારી મહોલ્લો, નાનપુરા, સુરત ) ની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.50 લાખની કિંમતની કાર, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,99,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ક્રાઈમ બ્રાન્ચે અગાઉ દારૂ સાથે ઝડપાયેલા બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સરથાણા યોગીચોક શ્રી રેસિડેન્સીમાં રહેતા અને સમગ્ર સુરતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા મનીષ સુરેશ રયાણી, પુણા ગામમાં રહેતા દિપક રાજપૂત અને કુખ્યાત આસીફ ગાંડાના સાગરીત યોગેશ ચૌહાણ ( રાજપૂત ) પાસેથી લાવી નાનપુરા બારાહજારી મહોલ્લામાં રહેતી અમૃતાબેન કહાર અને રાજુને પહોંચાડવાના હતા. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી મનીષ રયાણી, દિપક રાજપૂત, યોગેશ ચૌહાણ, અમૃતા કહાર અને રાજુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.