સુરત 108ના ડ્રાઇવરના નામે મોટી સંખ્યામાં મોત થાય છે તેવી ઓડિયો કલીપ ફરતી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

સુરતમાં રોજના 70 થી 80 મોત થાય છે અને સ્થિતી કાબુ બહાર છે તેવી 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર પરિચિત સાથે વાત કરતા હોય તેવી 8 મિનિટ અને 19 સેકન્ડની એક ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. અતિશયોક્તિવાળી ઓડિયો કલીપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની અને જીજે-5 મોટા વરાછા ગ્રુપમાં મુકાયેલી સુરત 108 ના ડ્રાઇવરની વાત નામની ઓડિયો કલીપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. વાતચીતમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબુ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેમ કહેતા રમેશભાઈ તેમ પણ કહે છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે.

સુરતની સ્થિતીને અતિશયોક્તિવાળી બતાવતી ઓડિયો કલીપ ફરતી કરનાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગતરાત્રે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.