સુરતમાં હોટેલની અનોખી જાહેરાત, દંડ ભરેલું ચલણ બતાવનારનું બીલ 100% માફ

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમની અમલવારી કરી દેવામાં આવી છે. નવા ટ્રાફિકના નિયમની અમલવારી થતા રાજ્યના લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ટ્રાફિકના નવા નિયમની અમલવારી થયાના ગણતરીના દિવસોમાં જ પોલીસે રાજ્યના વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનાં દંડની વસુલાત કરી છે. કેટલાક લોકોને દંડ ભરવાની બીકે પોતાના ખૂટતા ડોક્યુમેન્ટ પૂર્ણ કરવા માટે RTO કચેરીની લાઈનમાં જોવા મળે છે અથવા તો PUC સેન્ટરની લાઈનમાં જોવા મળે છે. લોકોને પડતી મુશ્કેલી જોઈને સરકાર દ્વારા PUC અને વાહનમાં HSRP નંબર પ્લેટ લગાડવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે અને તેમને મળેલા ઈ-મેમોની ભરપાઈ કરે તેટલા માટે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટ દ્બારા અનેખી પહેલ કરવામાં આવી છે. નવા ટ્રાફિક નિયમોને આવકારતા આ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, નવા રેસ્ટોરન્ટના ઓપનીંગ નિમિત્તે તારીખ 30 સપ્ટેમ્બરથી 7 ઓકટોબર સુધી જે કોઈ પણ વ્યક્તિ RTOના નવા કાયદા અનુસાર થયેલા દંડની ભરપાઈ કરેલુ ચલાન બતાવશે તો તે વ્યક્તિને રેસ્ટોરન્ટ દ્વારા 100% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઘણા લોકો સુરક્ષાની દૃષ્ટિએ નવા ટ્રાફિકના નિયમોને આવકારી રહ્યા છે, તો કેટલાક વેપારીઓ અને લોકો નવા ટ્રાફિકના નિયમોનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે સુરતના મોટા વરાછાના આ એક રેસ્ટોરન્ટે દંડની ભરપાઈ કરેલું ચલાન દેખાડનાર વ્યક્તિને 100% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લઇને અનોખી રીતે નવા ટ્રાફિકના નિયમોનું સમર્થન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.