સુરતમાં સગી માંએ જ પુત્રને હત્યા કરવા માટે ચપ્પુ આપ્યું અને પુત્રએ એક મહિલાને રહેંસી નાંખી

સૈયદપુરા પીપળાવાળી ચાલમાં શનિવારે બીડીના ઠુંઠાને લઇને એક મહિલાની હત્યા કરી દેવાઇ હતી. આ મહિલાના ઘરની ઉપર રહેતા યુવાને બીડી પીધા બાદ નીચે ફેંકેલા ઠુંઠાંને લઇને આપેલા ઠપકામાં થયેલા ઝઘડામાં યુવાને મહિલાને ચપ્પુના ઘા મારી રહેંસી નાંખી હતી. હત્યારા પુત્રને ઝઘડો કરતા રોકવાને બદલે તેને હત્યા માટે માતાએ જ ચપ્પુ આપ્યાનું બહાર આવતા પોલીસે આ યુવાન સાથે તેની વૃદ્ધ માતાની પણ ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સૈયદપુરા પીપળાવાળી ચાલમાં રહેતી અનિતાબેન છનાભાઇ સરવૈયા શનિવારે રાત્રે પોતાના ઘર નીચે બેઠી હતી. તે વખતે ઉપરના માળે રહેતા પ્રકાશ નારણ પરમારે બીડી પીને ફેંકેલા ઠુંઠા નીચે નાંખ્યા હતા. બીડી પીધા બાદ આ યુવાન હંમેશાં નીચે સરવૈયા પરિવારના ઘરના આંગણામાં ઠુંઠાં નાંખતો હોઇ અનિતાબેને તેને ઠપકો આપવા માટે નીચે બોલાવ્યો હતો. નીચે ઉતરેલા પ્રકાશ સાથે થયેલા ઝઘડા દરમ્યાન તેના માથામાં ઇંટ મારવામા આવતા રોષે ભરાયેલો પ્રકાશ ઉપર આવ્યો હતો અને માતા પાસે ચપ્પુ માગ્યું હતું.

પુત્રને કોઇ અઘટિત કામ કરતો રોકવાને બદલે માતાએ તેને ઘરમાંથી ચપ્પુ લાવીને આપી દેતા તે સીધો નીચે ગયો હતો અને માથાકુટ કરી રહેલી અનિતાબેનના પેટ અને કીડનીના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા. પેટની ઇજા કરતાં કીડનીની ઇજા જીવલેણ નીકળી હતી. લોહી નીકળતી હાલતમાં અનિતાબેનને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમ્યાન જ આ મહિલાનું મોત નીપજ્યું હતું. નજીવા ઝગડામાં મહિલાની હત્યાની ઘટનાથી લાલગેટ પોલીસ ઇન્સપેક્ટર રાહુલ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા કરનાર પ્રકાશ પરમારની ધરપકડ કરી હતી. પુત્રને હત્યા માટે ચપ્પુ આપનાર તેની માતા વાલીબેન પરમારની પણ પોલીસે ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.