રાંદેરના મેમણ વેપારીનું અડાજણ પાટિયા, ધનમોરા કોમ્પલેક્સ પાસેથી ગુરુવારે રાત્રે ભાગીદારના બનેવી સહિતના ચાર ઇસમોએ કારમાં અપહરણ કર્યા બાદ હોડી બંગલા સ્થિત એક ઓફિસમાં લઈ જઈ બંદુકની અણીએ રૂ. 50 કરોડની ખંડણી માંગી હતી. જોકે, આખરે આઠ કરોડમાં વાત પતાવી વેપારી પાસેથી આંગડીયા મારફતે રૂ. 50 લાખ વસૂલાયા હતા, અને બાકીની રૂપિયા પાછળથી આપવા કહી બીજા દિવસે વેપારીને રિક્ષામાં ફઝલ ટાવર નજીક પાછો છોડી મૂકાયો હતો. અંતે આખો મામલો રાંદેર પોલીસમાં પહોંચતા શરૂ કરાયેલી તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસે બે અપહરણકર્તાને ઝડપી પાડયાં હતા.
પ્રાપ્ત માહિતી મુજબ રાંદેર, અડાજણ પાટિયા સ્થિત રોયલ રેડીડેન્સીમાં રહેતો નવાજ અમીન જંદીરા મોબાઈલ એસેરીઝનો હોલસેલ અને ઓનલાઈનનો ધંધો કરે છે. ઓનલાઈનના ધંધામાં ચોકબજારનો શોએબ અમીન ગલાણી તેનો ભાગીદાર છે. દરમિયાન ગુરૂવારે રાત્રે અડાજણ પાટિયા, ધનમોરા કોમ્પલેક્સ સ્થિત હેર આર્ટમાંથી નવાજ દાઢી કરાવી નીકળ્યો હતો, ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો તેની પાસે આવ્યાં હતા, અને પોતાની સાથે બળજબરી એક કાર પાસે લઈ ગયા હતા. કારમાં પોતાના ભાગીદાર શોયેબના બનેવી અફરોજ ઉર્ફે ફિરોજ દલાલને જોઈ ચોંકી ઉઠયો હતો. ત્યારબાદ તેને બળજબરી કારમાં બેસાડી હોડી બંગલા સ્થિત નવાબ ચાની લારીની ઉપર આવેલી એક ઓફિસમાં લઈ જઈ ગોંધી દેવાયો હતો. ત્યારબાદ તેને બંદુક બતાવી રૂ. 50 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેનો વિરોધ કરતા તેને માર મરાયો હતો. આખરે ભાગળ ભવાની વડ સ્થિત કમલેશ કાંતિ આંગડિયા મારફત તેની પાસેથી રૂ. 50 લાખ વસૂલાયા હતા.
અફરોજે નવાજને કહ્યું હતું આ લોકોનો જે હિસાબ છે, તે આપી દે, ત્યારે અપહરણકારોએ નવાજ પાસે રૂ. 50 કરોડ માંગતા તેણે શાના પૈસા એમ કહ્યું હતું. ‘તારી એક અઠવાડિયાથી રેકી કરીએ છે’ એમ કહેતા અપહરણકારોએ નવાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફટકાર્યો હતો. આખરે આઠ કરોડમાં વાત પતાવી નવાજ પાસેથી આંગડિયા મારફતે રૂ. 50 લાખ વસૂલાયા હતા, અને બાકીની રૂપિયા એક-એક કરોડ કરી પાછળથી આપવાનો વાયદો કરતા તેને મુક્ત કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.