વઢવાણ: વઢવાણ શહેરમાં આઝાદીબાદ સૌપ્રથમ શહીદ ભરતસિંહ પરમાર થતા હજારોની સંખ્યામાં શહેરીજનો સલામી આપવા ઉમટ્યા હતા. જ્યારે શહીદના પાર્થિવદેહને વઢવાણ લવાતા આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાઇ અપાઇ હતી. આ સમયે શહેરની શેરીઓ નાની પડે એટલી ભીડ સાથે શહીદ અમર રહોના નારાઓ ગુંજ્યા હતા. શહીદનો પુત્ર સુરેન્દ્રનગરની સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 5મા અભ્યાસ કરી રહ્યો છે. શાળાએ શહીદ પુત્રની ધોરણ 12 સુધીના અભ્યાસની ફી માફ કરી દેવાની જાહેરાત કરી છે.
વઢવાણ શહેરમાં ખારવાની પોળમાં મૂળીવાસ ખાતે રહેતા ભરતસિંહ દિપસિંહ પરમારનો જન્મ દેવુબાના કુખે થયો હતો. તેમના લગ્ન ખમ્માબા સાથે થતા લગ્નજીવન દરમિયાન દશ વર્ષનો પુત્ર વિશ્વરાજસિંહ છે. ભરતસિંહ પરમારનું પોસ્ટીંગ અરૂણાચલપ્રદેશમાં લાન્સનાયક તરીકે થયુ હતુ. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ ભરતસિંહ શહીદ થતા તેઓના પાર્થીવદેહને માદરેવતન વઢવાણ લવાયો હતો. આ સમયે ખારવાની પોળ કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે દર્શન અને સલામી મહાનુભાવો અને સમાજના આગેવાનોએ આપી હતી. જ્યારે શહીદ ભરતસિંહના પત્ની વીરનારી ખમ્માબાએ સલામી આપીને ફુલહાર અર્પણ કરતા ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુઓ છલકાઇ ઉઠ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પનોતાપુત્ર શહીદ થયા હતા. આથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લાની શાળાઓ, હાઇસ્કુલો અને કોલેજોમાં શહીદને શ્રધ્ધાંજલી આપવા મૌન પાળવા અપીલ કરાઇ હતી. આથી જિલ્લાના હજારો વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળી શહીદને શ્રધ્ધાંજલી આપી હતી. આમ ભારતની નવી પેઢીએ રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ દર્શાવ્યો હતો. જ્યારે 10 વર્ષનાપુત્ર વિશ્વરાજસિંહે પિતા શહીદ ભરતસિંહ પરમારને મુખાગ્ની આપતા સ્મશાનમાં ઉપસ્થિત હજારો લોકોએ વીરશહીદ અમર રહોના નારા સાથે અંતિમ વિદાય આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.