સુરતીઓ સાયબર ક્રાઇમનો શિકારઃ ઓનલાઇન પેમેન્ટના બહાને ભેજાબાજોએ રૂા.5.97 લાખ ખંખેરી લીધા

ડિજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઓનલાઇન ઠગાઇના કિસ્પેસામાં વધારો

કોરોનાના દર્દી માટે એમ્બ્યુલન્સ બુકિંગના બહાને, ફૌજીના નામે કાજુનો ઓર્ડર આપી, ટેમ્પો લઇ માણસ નીકળી ગયો છે કહી આર્કિટેક્ટ યુવતી સાથે, ગૃહિણીનો બેંકનો પીન-ઓટીપી મેળવી પૈસા પડાવ્યા

સાઇબર ક્રાઇમના ઉંચા જઇ રહેલા ગ્રાફ વચ્ચે શહેરના અલગ-અલગ વિસ્તારના 6 જણાને ઓનલાઇન પેમેન્ટના નામે ભેજાબાજોએ રૂા. 5.97 લાખનો ચુનો લગાવ્યો છે. જહાંગીરપુરાના વેપારીને અમદાવાદથી ફૌજીના નામે કોલ કરી સ્ટાફ માટે કાજુનો ઓર્ડર આપી ઓનલાઇન પેમેન્ટ માટે ગુગલ પે નો ક્યુ.આર. કોર્ડ મોકલાવી રૂા. 97 હજાર, રાંદેર રોડની આર્કીટેક્ટ યુવતીએ ઓએલએક્સ પર વેચવા મુકેલા ટેબલ-ચેરનું પેમેન્ટના નામે રૂા. 80 હજાર, બેંક ઓફ બરોડાની બરોડા એમ-ક્નેક્ટ એપ્લિકેશન અપલોડના બહાને કતારગામની ગૃહિણીના ખાતામાંથી રૂા. 3 લાખ, કોરોનાના દર્દી માટે એમ્બ્યુલન્સ બુક કરાવવા પેટીએમથી 2 રૂપિયા ટ્રાન્સફરનું કહી ગોડાદરાના યુવાનના રૂા. 80 હજાર, સી.એસ.પીના રજીસ્ટ્રેશનના નામે ગોડાદરાના યુવાનના ખાતામાંથી રૂા. 35 હજાર અને ફેસબુક પર મિત્રના નામે ફેક આઇડી બનાવી પશ્ચિમ રેલવેના પાઇલટ પાસેથી રૂા. 5 હજાર પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ છે.

ફૌજીના નામે કાજુનો ઓનલાઇન ઓર્ડર આપી વેપારીના ખાતામાંથી રૂા. 97 હજાર ટ્રાન્સફર કરી લીધા


જહાંગીરપુરા-વરીયાવ રોડ સ્થિત હરિઓમ સોસાયટીમાં રહેતા અને ઓનલાઇન કાજુનો વેપાર કરતા પરેશ ભવાન ચકલાસીયા (ઉ.વ. 37) પર ગત તા. 4 જુલાઇએ મોબાઇલ નં. 9636136938 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે હું અમદાવાદથી બોલું છું અને ફૌજી છું, મારા સ્ટાફ માટે 20 કિલો કાજુ જોઇએ છે, કાજુનો માલ તમારા ઘરેથી મારો માણસ આવીને લઇ જશે અને પેમેન્ટ ગુગલ પે થી કરશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ ઉપરોકત મોબાઇલ નંબર ધારકે ક્યુ.આર.કોર્ડ કુપન મોકલાવી કુપન સ્કેન કરશો એટલે તમારા ખાતામાં પેમેન્ટ જમા થઇ જશે એમ કહી પ્રથમ રૂા. 14,000 ત્યાર બાદ પુનઃ રૂા. 14,000, રૂા. 9,000ની બે કુપન, રૂા. 4,999, રૂા. 14,000 અને રૂા. 19,999ની એક પછી એક કુપન મોકલાવી હતી. આ કુપન કાજુ વેપારી પરેશે સ્કેન કરતા વેંત તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઓનલાઇન એકાઉન્ટમાંથી કુલ રૂા. 96,995 ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યા હતા. જેથી પરેશે તુરંત જ ઉપરોક્ત મોબાઇલ નંબર ધારકને ફોન કર્યો હતો. પરંતુ ફૌજીના નામે કાજુ ખરીદી ઠગાઇ કરનાર ભેજાબાજે ફોન રિસીવ કરી સાઇડ પર મુકી દીધો હતો. ઘટના અંગે વેપારીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

OLX પરથી ટેબલ-ખુરશી ખરીદીનું પેમેન્ટ ગુગલ પે થી ચુકવવાના બહાને આર્કિટેક્ટ યુવતીના ખાતામાંથી 80 હજાર સેરવ્યા


રાંદેર રોડ તાડવાડી સ્થિત સાંઇ આશિષ સોસાયટીના ઘર નં. 22 માં રહેતી આર્કીટેક્ટ શ્રેયા રમેશ પટેલ (ઉ.વ. 27) એ ગત તા. 17 નવેમ્બરના રોજ ઘરના જુના ટેબલ અને રિવોલ્વીંગ ચેર વેચવા માટે ઓએલએક્સ વેબસાઇટ પર ફોટો અપલોડ કર્યા હતા. ફોટો અપલોડ કર્યાની ગણતરીના કલાકોમાં શ્રેયાના પિતાના પર મોબાઇલ નં. 8822682662 પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ટેબલ અને ચેર અમને પસંદ છે અને ખરીદવા માંગીએ છે, સાંજે મારો માણસ કતારગામથી ટેમ્પો લઇને નીકળશે એટલે હું તમને ગુગલ પે થી પેમેન્ટ આપી દઇશ. ફોન પર વાતચીત થયા બાદ શ્રેયાએ ઓએલએક્સ પર વેચવા મુકેલા ટેબલ અને ચેરની ડીલ ક્લોઝ કરી દીધી હતી અને સાંજે પુનઃ ઉપરોકત નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ટેમ્પો થોડીવારમાં નીકળે છે ત્યાં સુધીમાં આપણે ગુગલ પે થી પેમેન્ટનું કામકાજ પુરૂ કરી દઇએ એમ કહેતા શ્રેયાએ ગુગલ પે એકાઉન્ટ માટે પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. ફોન કરનાર ભેજાબાજે પ્રથમ રૂા. 5 નો ક્યુ.આર.કોર્ડ મોકલાવ્યો હતો. આ કોર્ડ સ્કેન કરતા વેંત રૂા. 5 ડેબીટ થઇ ગયા હતા અને તુરંત જ ક્રેડિટ પણ થઇ ગયા હતા. ત્યાર બાદ ભેજાબાજે એક પછી એક ચાર ક્યુ.આર. કોર્ડ મોકલાવ્યા હતા અને આ કોર્ડ સ્કેન કરતાની સાથે શ્રેયાના બેંક એકાઉન્ટમાંથી રૂા. 5, રૂા. 10 હજારના બે ટ્રાન્ઝેક્શન, તથા રૂા. 30 હજારના બે ટ્રાન્ઝેક્શન થયા હતા અને કુલ રૂા. 80,005 ની રોકડ શ્રેયાના બેંક ખાતામાંથી ઉપડી ગઇ હતી.

BOBની બરોડા એમ-ક્નેક્ટ એપ્લિકેશન અપડેટ કરવાના બહાને ગૃહિણીના ખાતામાંથી 3 લાખ તફડાવ્યા

કતારગામ સ્નેહ સાગર સોસાયટી નજીક સાગર કોમ્પ્લેક્ષમાં રહેતી ગૃહિણી નિષીતા સુનીલ રૂપડા (ઉ.વ. 40)) પર ગત તા. 10 નવેમ્બરના રોજ મોબાઇલ નં. 9801466028 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે હું બેંક ઓફ બરોડામાંથી પંકજ બોલું છું અને મારો એમ્પ્લોઇ કોડ ડી-44923 છે એમ કહી તમે બરોડા એમ-ક્નેક્ટ એપ્લિકેશન યુઝ કરો છો તે અપડેટ કરવાની છે એમ કહી વિશ્વાસમાં લઇ એપ્લિકેશનનો પીન નંબર અને ઓટીપીની માંગણી કરી હતી. પીન નંબર અને ઓટીપી આપ્યાની ગણતરીની મિનીટોમાં જ નિષીતાના મોબાઇલ પર 6 મેસેજ આવ્યા હતા. મેસેજમાં રૂા. 50,006 ના ટ્રાન્જેક્શનના 4 મેસેજ, રૂા. 50,000 ના ટ્રાન્જેક્શનના 2 મેસેજ હતા. પીન નંબર અને ઓટીપીના આધારે ભેજાબાજે 6 ટ્રાન્જેક્શન થકી કુલ રૂા. 3,00,000 થી વધુ ઉપડી ગયા હોવાના મેસેજ જોઇ નિષીતા ચોંકી ગઇ હતી. નિષીતાએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવાની સાથે કતારગામ પોલીસ સ્ટેશનમાં જે તે વખતે અરજી આપી હતી અને સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.

કોરોનાના દર્દીને માટે સીડ્સ હોસ્પિટલમાં જગ્યા છે રૂા. 2 પેટીએમ કરવાનું છે કહી ટેલરના રૂા. 81 હજાર સેરવ્યા


પરવટ ગામના પટેલ ફળીયામાં રહેતા વ્યવસાયે દરજી અતુલ શાંતિલાલ મીસ્ત્રી (ઉ.વ. 41) ના મિત્રનો ગત તા. 13 જુલાઇએ ફોન આવ્યો હતો. મિત્રએ કહ્યું હતું કે મારા સબંધીને કોરોના થયો છે અને સુરતમાં કોઇ હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. સીડ્શ હોસ્પિટલમાં જગ્યા મળી છે પરંતુ 2 રૂપિયાનું પેટીએમ કરવાનું કહે છે અને હું પેટીએમ યુઝ કરતો નથી. જેથી અતુલને પેટીએમ કરવા માટે કહ્યું હતું. મિત્રના કહેવા મુજબ મોબાઇલ નં. 9002524766 પરથી કોલ આવ્યો હતો અને પોતે સીડ્શ હોસ્પિટલમાંથી બોલે છે અને દો રૂપિયે કા ટ્રાન્જેક્શન કીજીયે. અતુલે માત્ર બે રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કારણ પુછતા કોલ કરનારે હોસ્પિટલકા પ્રોટોકોલ હૈ ઓર દો રૂપિયે પેટીએમ કરોગે તો હી હમારી એમ્બ્યુલન્સ દર્દીકો લેને આયેગી. આ વાતચીત થયા બાદ કોલ કરનારે એક લીંક અતુલને મોકલાવી હતી. લીંક ઓપન કરતા સીડ્શ હોસ્પિટલના નામ વાળું ફોર્મ ઓપન થયું હતું જેમાં અતુલે 2 રૂપિયા અને પોતાના મોબાઇલ પર એક ઓટીપી આવ્યો હતો તે ફીલઅપ કરતા 2 રૂપિયા કપાઇ ગયા હતા. ત્યાર બાદ સાંજના સમયે અચાનક જ એક પછી એક ચારથી પાંચ ટ્રાન્જેક્શન થકી અતુલના બેંક ઓફ બરોડાની ડુંભાલ શાખામાંથી રૂા. 80,995 ઉપડી ગયા હોવાના મેસેજ આવતા ચોંકી ગયા હતા.

ફેસબુક પર જાહેરાત જોઇ સી.એસ.પી મેળવવાની લાલચ આપી રૂા. 35 હજાર ખંખેરી લેવાયા



ગોડાદરાના સાંઇ સાગર રો હાઉસમાં રહેતા અને આધારકાર્ડ અને પાનકાર્ડનું કામ કરતા મેહુલ મધુભાઈ બલદાણીયા (ઉ.વ.28) ગત મે મહિનામાં ફેસબુક ઉપર ડિજિટલ સી.એસ.પી કંપનીની જાહેરાત જોઇ ગુગલ પર કંપનીની માહિતી મેળવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મોબાઇલ નં. 8017376863 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 5200 ચુકવવાનું કહેતા મેહુલે ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતું. ત્યાર બાદ રજીસ્ટ્રેશન ફી ના બહાને વધુ રૂા. 10,000 ની માંગણી કરતા આ પેમેન્ટ પણ મેહુલ ઓનલાઇન કર્યુ હતું. ત્યાર બાદ તમારા એરિયાની વસ્તી ગણતરી જોતા બેંક ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટ ખોલાવવું પડશે અને તેની લિમીટ રૂા. 50,000 રહેશે અને તમારે ડિપોઝીટ પેટે રૂા. 25,000 ભરવા પડશે એમ કહેતા આ રકમ પણ મેહુલે ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. દરમ્યાનમાં મેહુલે પરવટ પાટિયા ખાતે સી.એસ.પી (કસ્ટમર સર્વિસ પોઇન્ટ) પર રૂબરૂ જઇ રજીસ્ટ્રેશનની પ્રોસેસની માહિતી મેળવી હતી. ત્યાર બાદ બેંક ઓફ બરોડાની મેઇન ઓફિસમાં જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડિજિટલ સી.એસ.પી કંપની સાથે તેઓનું કોઇ પણ પ્રકારનું એગ્રીમેન્ટ નથી. જેને પગલે મેહુલ ચોંકી ગયો હતો અને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું જણાતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મે થોડા બિઝી હું થોડા પૈસા ભેજ શકતે હો કયાં ? મિત્રના ફેસબુક આઇડી પરથી મેસેજ કરી રૂા. 5000 પડાવ્યા


પાંડેસરાના આકાશ રો હાઉસમાં રહેતા અને પશ્ચિમ રેલવેમાં લોકો પાઇલટ તરીકે નોકરી કરતા રાજેન્દ્રકુમાર બલ્લુરામ વર્મા (ઉ.વ.54) પર ગત તા. 10 ઓક્ટોબરના રોજ તેના મિત્ર પ્રતીક વિશ્વાસના ફેસબુક આઇ.ડી પરથી મેસેજ આવ્યો હતો કે મેં થોડા બીઝી હું, થોડા પૈસા ભેજ શકતે હો ક્યાં? જેથી રાજેન્દ્રએ રિપ્લાય આપયો હતો કે કિતના ચાહિયે ? તો પ્રતીકે 20 હજાર ચાહિયે એમ કહેતા રાજેન્દ્રએ કેવી રીતે રૂપિયા મોકલાવું એવું પુછ્યું હતું. જેના જવાબમાં પ્રતીકે મોબાઇલ નં. 9707638642 મોકલાવ્યો હતો અને આ નંબર પર ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી રાજેન્દ્રએ તુરંત જ ફોન પે થી રૂા. 5 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને મિત્ર પ્રતીકને ફોન કરી રૂપિયા મળ્યા કે નહીં તેવું પુછ્યું હતું. જેથી પ્રતીકે રાજેન્દ્રને કહ્યું હતું કે કોઇક ભેજાબાજે પ્રીતક વિશ્વાસ નામનું ફેસબુક પર બોગસ આઇડી બનાવી મારા બીજા મિત્રો પાસે પણ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. જેથી રાજેન્દ્રએ તુરંત જ આ અંગે સાયબર આશ્વત પર ફરિયાદ નોંધાવ્યા બાદ ગત રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.