– AIIMSએ પોતાનો રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો
હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની હત્યા થઇ નથી એવું AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું. AIIMSએ આ રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો હતો.
હવે સીબીઆઇ આ કેસની તપાસ સુસાઇડના એંગલને ધ્યાનમાં રાખીને કરશે એમ જાણવા મળ્યું હતું. હવે સીબીઆઇએ એ તપાસ કરવાની છે કે સુશાંતે કોઇની ઉશ્કેરણીથી આપઘાત કર્યો હતો કે પોતાની જાતે આ પગલું ભર્યું હતું. એ ડિપ્રેશનનો શિકાર થયો હતો કે પછી ડ્રગની અસર હેઠળ આપઘાત કરવા પ્રેરાયો હતો. એને આપઘાત કરવા પ્રેરે એવી કોઇ ધાકધમકી મળી હતી કે બધું યોગાનુયોગ બન્યું હતું. આ સવાલોના જવાબ હવે સીબીઆઇએ શોધવાના છે.
AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં સુશાંતની હત્યા થઇ હોવાની વાતને ખોટી ઠરાવાઇ હતી અને AIIMSના રિપોર્ટમાં જણાવાયું હતું કે સુશાંતની હત્યા થઇ હોય એવો એક પણ પુરાવો ફોરોન્સિક તપાસમાં હાથ લાગ્યો નહોતો. AIIMSના મેડિકલ બોર્ડે મુંબઇની કૂપર હૉસ્પિટલ દ્વારા અપાયેલા રિપોર્ટ સાથે પોતાનાં તારણોને તપાસ્યા હતા અને ત્યારબાદ સીબીઆઇને આ રિપોર્ટ સોંપી દીધો હતો. સીબીઆઇ આ બાબતમાં અત્યાર સુધીમાં 20 જણની પૂછપરછ કરી ચૂકી હતી.
હવે સુશાંતને ત્યાંથી મળેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, કેનન કેમેરા અને બે મોબાઇલ ફોનની તપાસ બાકી છે. એની તપાસ પૂરી થયા બાદ સીબીઆઇ પોતાનો નિષ્કર્ષ જાહેર કરશે એમ માની શકાય. હજુ પણ જો કોઇ કડી એવી મળશે જે એમ સૂચવે કે સુશાંતની હત્યા થઇ હતી તો એને ઇન્ડિયન પીનલ કૉડની 302મી કલમ સાથે જોડી દેવામાં આવશે.
સુશાંત સિઁઘ રાજપૂતનો મૃતદેહ જૂનની 14મીએ એના ઘરમાં સિલિંગ ફેન પર લટકતો મળી આવ્યો હતો. એ સમયે ઘરમાં તેનો રસોઇયો અને એક દોસ્ત સિદ્ધાર્થ પીઠાની પણ હાજર હતો. સુશાંતના અકાળ મોતે અનેક તર્કવિતર્ક સર્જ્યા હતા. એના અકાળ મોતની તપાસ દરમિયાન જ બોલિવૂડના ડ્રગ કૌભાંડની વિગતો બહાર આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.