સુશાંત કેસમાં રાહિલ સહિત છ ડ્રગ પેડલર અટકાયતમાં, NCB આખી ડ્રગ ચેનને ખતમ કરવા સજ્જ

– આજે સવાર સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાને બોલિવૂડમાં ચાલી રહેલા ડ્રગના દાનવને પણ ખુલ્લો પાડવા માંડ્યો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠલ બ્યૂરોની ટીમે ગુરૂવારે શરૂ કરેલું સર્ચ ઓપરેશન શુક્રવારની સવાર સુધી ચાલ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમા બોલિવૂડને વિવિધ ડ્રગ પૂરી પાડનારા એક પેડલર રાહિલ વિશ્રામને ઝડપી લેવામાં આવ્યો હતો. રાહિલ બોલિવૂડ સાથે સંકળાયેલો છે અને એ કલાકારોને ગાંજો પૂરો પાડતો હતો.

એનસીબી આખી ડ્રગ ચેનને ખુલ્લી પાડવા અને ડ્રગ પેડલર્સને સજા કરવા કટિબદ્ધ છે. ગુરૂવારે બ્યૂરોની ટીમે મુંબઇના પવઇ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્રણેક વ્યક્તિને ઝડપી લીધી હતી. એ સાથે 500 કિલોગ્રામ બડ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ ગ્રામ દીઠ છથી આઠ હજાર રૂપિયે બોલિવૂડમાં વેચાતું હતું. અભિનેત્રી રિયા ચક્રવર્તી જે કેસમાં ફસાઇ છે એની તપાસ કરતાં સમીર વાનખેડે અને એમની ટીમને રાહિલની વિગતો મળી અને રાહિલ ચેતી જાય એ પહેલાં બ્યૂરોએ એને ઝડપી લીધો. એની પાસેથી મળેલી વિગતોના આધારે અન્યોની ધરપકડ કરાઇ. રાહિલના વરસોવા ખાતેના ઘરેથી પણ ગાંજાનો ઘણો જથ્થો મળ્યો. આ ગાંજો હિમાચલ પ્રદેશના મનાના ક્રીમ તરીકે ઓળખાય છે. એ ઉચ્ચ  ગુણવત્તા ધરાવતો ગાંજો છે. રાહિલના ઘરેથી રોકડા સાડા ચાર લાખ રૂપિયા પણ કબજે કરાયા હતા.

રાહિલના ઘરેથી મળેલો એક કિલો ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણથી ચાર કરોડ રૂપિયા થવા જાય છે. આ એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ડ્રગ છે. રાહિલે પોતે તો માત્ર કેરિયર હોવાનું અને આ વ્યવસાય પોતાના બોસના ઇશારે ચાલતો હોવાનો દાવો કર્યો હતો. એણે આપેલી માહિતીના આધારે એનસીબી કામ કરી રહી હતી. રાહિલના નાનાભાઇ અનુજ કેસવાની અને કૈઝાનને  શૌવિક ચક્રવર્તી સાથે સીધો સંબંધ હોવાનું એસીબીને જાણવા મળ્યું હતું. રાહિલનો બોલિવૂડ સાથે સીધો સંપર્ક હોવાથી બોલિવૂડની અન્ય સેલેબ્રિટીઝ પણ એનસીબીની જાળમાં ફસાવાની શક્યતા નકારી કઢાય નહીં. ઉપરાંત તલવાર અટક ધરાવતા એક પેડલરની પણ એનસીબીને તલાશ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.