– સુશાંત કાંડ સાથે અમારે કશી લેવાદેવા નથી
શિવસેનાના નેતા કમ પત્રકાર સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્ય સરકારના પ્રધાન અને યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરેને સુશાંતના અપમૃત્યુ કાંડમાં સંડોવી દેવાનું કાવતરું ઘડાઇ રહ્યું હતું. આ ઘટના સાથે આદિત્યને કશી લેવાદેવા નથી. કોઇનું નામ લીધા વિના રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર રચાઇ એ હકીકત હજુ ઘણા લોકો સહન કરી શકતા નથી.
તેમણે ધમકીના સૂરે ઉમેર્યું હતું કે જે લોકો આદિત્ય ઠાકરેને સુશાંત કાંડમાં સંડોવી દેવાનું કાવતરું ઘડી રહ્યા હતા તેમણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો એ આ ષડ્યંત્રનો એક હિસ્સો હતો. જો કે સુશાંત કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો એ અંગે હજુ સુધી ઔપચારિક રીતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કે ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કશું બોલ્યા નથી. જો કે ગૃહ મંત્ર્યાલયના સૂત્રોએ કહ્યું કે આખી ઘટના પર અમારી ઝીણી નજર છે.
ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ અને બસપા પ્રમુખ માયાવતીએ પણ આ કેસ સીબીઆઇને સોંપવાની અપીલ કરી હતી. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ પણ સીબીઆઇ તપાસનો આગ્રહ સેવ્યો હતો.
સુશાંતના પિતા કે કે સિંઘની વિનંતી સ્વીકારીને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ કેસ સીબીઆઇને સોંપવાની કેન્દ્રને વિનંતી કરી હતી. રાજકીય નિરીક્ષકો માને છે કે આદિત્ય ઠાકરેને આ ઘટનામાં સંડોવી દઇને શિવસેના અને રાજ્યની સત્તામાં એના બે ભાગીદાર કોંગ્રેસ તથા એનસીપી વચ્ચે મતભેદ સર્જવાની આ ચાલ હતી.
શિવસેના આ બાબતે સાવધ હોવાનું મનાય છે. શિવસેનાના પ્રવક્તા મનાતા સંજય રાઉતે પહેલીવાર આ મુદ્દે કરેલા નિવેદનમાં એવો આક્ષેપ કર્યો હતો કે શિવસેનાની પાંખ યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરેને સંડોવી દેવાની આ રાજરમતથી અમે વાકેફ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.