– ઉત્તર પ્રદેશમાં કોરોનાના પ્રસાર માટે તબલિગી જમાતના લોકો જવાબદાર
પૂજા, નમાજ બધું ઘરમાં જ કરો, જાહેર ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ છે, જીવન બચાવવું વધુ મહત્વપૂર્ણ : યોગી આદિત્યનાથ
દેશમાં કોરોના વાઈરસના સંક્રમણનો પ્રસાર વધી રહ્યો છે. તેને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે અન્ય દેશોની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છીએ, પરંતુ આપણે હજી પણ સાવધ રહેવાની જરૂર છે. કોરોનાથી બચવા માટે અમે વ્યાપક યોજના બનાવી રહ્યા છીએ. યોગી આદિત્યનાથે લોકોને પૂજા-નમાજ ઘરમાંથી જ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું વર્તમાન સમયમાં લોકોના જીવન બચાવવા વધુ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં લોકોએ ધાર્મિક કાર્યો ઘરમાં રહીને જ કરવા જોઈએ.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નિર્દેશો પર દેશમાં લાંબા લૉકડાઉનથી લોકોને ઘણી રાહત મળી છે. ઉત્તર પ્રદેશમાં પણ અધિકારીઓ સાથે મંત્રીઓના એક જૂથની રચના કરાઈ છે. અમે તબક્કાવાર કોરોના સંક્રમણ અટકાવવા પર કામ કરી રહ્યા છીએ. હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે તેમજ નજીકના સમયમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવો પણ શરૂ થશે. આ સંદર્ભમાં યોગી આદિત્યનાથે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં લોકોએ પૂજા, નમાઝ મંદિર કે મસ્જિદમાં કરવાના બદલે પોતાના ઘરોમાં જ કરવા જોઈએ. અમે રાજ્યમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકેલો છે. ઘર પર જ પૂજા અથવા નમાજ કરીને પોતાનો અને અન્યોનો જીવ બચાવવો જોઈએ.
યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં અમે રમઝાન પહેલાં જ બધા ધર્મગુરુઓ સાથે વાત કરી હતી. આ બધા જ લોકોએ કહ્યું હતું કે કોરોનાની આ મહામારીથી બચવાનું પણ છે અને લોકોને બચાવવાના પણ છે. આપણે સામાન્ય રીતે પૂજા અને નમાજ માટે મંદિર અને મસ્જિદમાં જઈએ છીએ, પરંતુ પૂજા-નમાજ ઘરમાંથી પણ કરી શકાય છે. તેમણે ક્યું કે નવરાત્રીમાં મંદિરના બદલે લોકોએ ઘરમાંથી પૂજા-પાઠ અને તમામ ધાર્મિક અનુષ્ઠાન કર્યા હતા. એવામાં અમે રમઝાન અંગે પણ કહ્યું કે તમે લોકો પોતાના ઘરોમાં જ રોજા-નમાજ કરો. આ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમ નહીં થઈ શકે, કારણ કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરવાનું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના વાઈરસ પ્રકૃતિ સાથે તેનું સ્વરૂપ પણ બદલે છે. એવામાં આપણને સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે લોકોને જાગૃત કરવાથી જ સફળતા મળશે. ઉત્તર પ્રદેશમાં વસતીને ધ્યાનમાં લઈએ તો કોરોનાનો સામનો કરવાનું કામ અમારા માટે પડકારજનક છે, પરંતુ અમે રાજ્યને સંપૂર્ણપણે કોરોનામુક્ત કરીશું. રાજ્યમાં સ્થિતિ ઘણી નિયંત્રણમાં હતી, પરંતુ તબલિગી જમાતના લોકોએ સ્થિતિ બગાડી નાંખી. કોઈપણ માહિતી આપ્યા વિના આ લોકો ખૂબ જ વસતી હોય તેવા વિસ્તારોમાં ઘૂસી ગયા અને પછી સંક્રમણે ગતિ પકડી લીધી. તેમણે ઉમેર્યું હતું કે સત્ય છુપાવનારા કોઈપણ તબલિગી જમાતીને છોડવામાં નહીં આવે. બધા સામે પગલાં લેવાશે.
જમાતીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ છુપાવ્યું છે. આ ઈરાદાપૂર્વક કરાયેલું કૃત્ય છે, જે અક્ષમ્ય ગૂનો છે. તેમણે આ કામ ન કર્યું હોત તો આજે કોરોનાના કેસ ઘણા ઓછા હોત. યોગીએ ઉત્તર પ્રદેશમાં કોરોનાના પ્રસાર માટે તબલિગી જમાતના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. જમાતીઓએ સંક્રમણથી ફેલાતી બીમારી છુપાવીને અનેક જગ્યાએ તેનો પ્રસાર કર્યો છે. ઉત્તર પ્રદેશમાં ૩,૦૦૦થી વધુ જમાતીઓએ અનેક જગ્યાએ જઈને આ કામ કર્યું છે.
આજે ઉત્તર પ્રદેશમાં અંદાજે બે હજાર એક્ટિવ કેસ છે, જેમાંથી દોઢ હજારથી વધુ જમાતી છે. પોલીસે તેમને પકડીને ક્વોરન્ટાઈન કર્યા છે. તબલિગી જમાતના લોકોએ સમયસર કોરોના લક્ષણો પર ધ્યાન આપીને જાતે જ આગળ આવ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. દેશમાં જે રાજ્યોમાં વધુ કેસ સામે આવ્યા છે ત્યાં તેમની ભૂમિકા ઘણી વ્યાપક હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.