મુંબઈઃ લેખક તથા ગીતકાર જાવેદ અખ્તરે દિલ્હી હિંસાને લઈ કાઉન્સિલર તાહિર હુસૈન પર થયેલી કાનૂની કાર્યવાહીને લઈ સવાલ કર્યો છે. તેમણે ગુરુવારે (27 ફેબ્રુઆરી) સાંજે ટ્વીટ કરીને કહ્યું હતું, અનેક લોકો માર્યા ગયા, અનેક ઘાયલ થયા, અનેકના ઘરમાં આગ લગાવવામાં આવી, અનેક દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી, અનેક લોકો નિરાધાર બન્યા પરંતુ પોલીસે માત્ર એક ઘરને જ સીલ કર્યું અને તેના માલિકની શોધખોળ કરી રહી છે. દુર્ભાગ્યથી તેનું નામ તાહિર છે. દિલ્હી પોલીસની સમજણને સલામ.
એક ટ્વિટર યુઝરે જાવેદની ટ્વીટ પર કમેન્ટ કરતાં પૂછ્યું હતું કે આખરે તમે હંમેશાં તમારા ભાઈઓનો બચાવ કેમ કરો છો? તો ગીતકારે સ્પષ્ટતા કરી હતી, ‘મને ખોટો સમજવામાં આવ્યો. હું એમ નથી કહેતો કે તાહિર કેમ? મારો સવાલ એ છે કે માત્ર તાહિર જ કેમ? તે લોકો વિરુદ્ધ FIR કેમ નથી થતી, જેમણે પોલીસની હાજરીમાં હિંસાની ખુલ્લી ધમકી આપી હતી. જ્યારે હાઈકોર્ટે પણ હિંસાના આ તાંડવમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો છે.’
તાહિર હુસૈન પર કરાવલ નગરમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના કોન્સ્ટેબલ અંકિત શર્માના ભાઈ-પિતા ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રાએ તાહિર પર અંકિતની હત્યાનો આરોપ લગાવ્યો છે. તાહિર વિરુદ્ધ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશનમાં કલમ 302 (હત્યા) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ હુસૈનને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી કાઢી મૂક્યો છે. તેની બિલ્ડિંગમાંથી પેટ્રોલ બોમ્બ, પથ્થર, ગિલોલ તથા એસિડ મળી આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.