તાઈવાને કોરોના વાઈરસ પર મેળવ્યો કાબુ, આ ‘અનન્ય હથિયાર’ આવ્યું કામ

ગણતરીના દિવસોમાં નિવૃત્ત થયા બાદ ઉપ રાષ્ટ્રપતિ ચેન એકેડેમિક્સ ક્ષેત્રે પાછા જઈ કોરોના પર સંશોધન કરશે

 

વિશ્વના તમામ દેશો કોરોના વાયરસ સામે લડવા વિવિધ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ અમુક દેશોની કામગીરીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે જેમાં તાઈવાનનું નામ પણ સામેલ છે. તાઈવાન ચીનને સાવ અડીને આવેલો નાનકડો દેશ છે અને બંને વચ્ચે ફ્લાઈટની ખૂબ જ અવર-જવર રહેતી હોવાથી ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ખૂબ જ જોખમ રહેલું હતું. જો કે, વિશિષ્ટ પ્રયત્નો દ્વારા તાઈવાને મહદઅંશે વાયરસને રોકી લીધો છે.

તાઈવાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 440 કેસ જ સામે આવ્યા છે અને માત્ર 6 જ લોકોના મૃત્યુ થયા છે. આનું મુખ્ય કારણ એ છે કે, તાઈવાને અન્ય દેશોની તુલનામાં ઘણા સમય પહેલાથી જ સાવધાની રાખવાનું ચાલુ કરી દીધેલું. સાથે જ વિદેશથી આવતા લોકોને ફરજિયાતપણે 14 દિવસ ઘરોમાં રહેવા કહી દેવાયું હતું. આ ઉપરાંત તાઈવાન પાસે જે વિશિષ્ટ હથિયાર છે તે ભાગ્યે જ અન્ય કોઈ દેશ પાસે હશે. તાઈવાનમાં ઉપ રાષ્ટ્રપતિ પદ પર જે વ્યક્તિ છે તે મહામારીના એક્સપર્ટ છે.

ઉપ રાષ્ટ્રપતિ ચેન ચિએન જેને અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી મહામારી મામલે ટ્રેઈનિંગ લીધેલી છે અને તેઓ વાયરસના નિષ્ણાંત છે. નવાઈની વાત એ છે કે, ઉપ રાષ્ટ્રપતિ પદ પર હોવા છતા તેઓ તાઈવાનની સત્તાધીશ રાજકીય પાર્ટીમાં નથી જોડાયેલા. તેઓ દેશમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે અને વેક્સિન-ટેસ્ટિંગ કિટ તૈયાર કરવા પર જોર આપી રહ્યા છે.

પોતાના રાજકીય પદ પરથી તેઓ વાયરસ રિસ્પોન્સને લઈ ચીનની ટીકા કરી રહ્યા છે અને તાઈવાને ચીન પર શરૂઆતમાં કોરોનાની જાણકારી છુપાવી હોવાનો આરોપ લગાવેલો છે. એક તરફ સમગ્ર વિશ્વના શાસકો કોરોના મામલે ચિત્ર-વિચિત્ર દાવા કરી રહ્યા છે ત્યારે ચેન સાયન્ટિફિક ફેક્ટના આધારે દેશ ચલાવી રહ્યા છે. મેડિકલ સાયન્ટિસ્ટ્સ પણ તેમના પાસેથી દર્દીઓની ટ્રીટમેન્ટ ડેવલપ કરવા સલાહ લઈ રહ્યા છે.

2003માં સાર્સ વાયરસ ફેલાયો ત્યારે તેઓ તાઈવાનના ટોપ હેલ્થ ઓફિસર હતા અને ત્યાર બાદ તેમણે દેશને મહામારી સામે લડવા માટે તૈયાર કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણે દેશમાં આઈસોલેશન વોર્ડ્સ અને વાયરસ રિસર્ચ લેબ તૈયાર કરાવી હતી. વિશ્વના અનેક નેતાઓ આ વાયરસના ફેલાવા અંગે વિવિધ પ્રકારના દાવા કરી રહ્યા છે ત્યારે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ચેને “રાજનીતિ કરવા કરતા પુરાવા અગત્યના છે” તેમ કહ્યું હતું.

68 વર્ષીય ચેન 2016થી ઉપ રાષ્ટ્રપતિ છે અને ટૂંક સમયમાં જ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. 20મી મે, 2020ના રોજ તેઓ પોતાનું પદ છોડી દેશે પરંતુ દેશને તેમના કામનો લાભ ભવિષ્યમાં પણ મળતો રહેશે. ઉપ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તે એકેડેમિક્સ ક્ષેત્રે પાછા જવા માંગે છે અને તેમનું મુખ્ય ધ્યાન કોરોના વાયરસ પર રિસર્ચનું હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.