ભાવનગર શહેરના સુભાષનગર વર્ષા સોસાયટી નજીક ગત મોડીરાત્રે બનેલાં મારામારી અને હત્યાના બનાવમાં ચોંકાનારી વિગતો પ્રકાશમાં આવી છે.અને આ જ વિસ્તારમાં રહેતા તરૃણે તેના મિત્રને આપેલાં પૈસા પરત માંગતાં થયેલી તકરારની દાઝમાં ઉછીના પૈસા લેનાર શખસે તેના ઘર પાસે તરૃણ સહિતનાને બોલાવી તેમના પર હથિયારો વડે હુમલો કરી તરૃણની નજર સામે જ તેના જ કૌટુંબિક ભાઈને રહેંસી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ત્રણ શખસો વિરૃદ્વ હત્યાની કલમ અન્વયે ગુન્હો નોંધી ત્રણ પૈકી બેને ઝડપી નજરકેદ કરી લીધા હતા. જયારે, શહેરના ગીચ રહેણાંકી વિસ્તારમાં બનેલાં આ બનાવને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.
પોલીસ ચોપડે નોંધાયેલાં બનાવની વિગત એવી છે કે, શહેરના સુભાષનગર 50 વારિયામાં રહેતા 16 વર્ષીય તરૃણ પૂજન અજયભાઈ રાઠોડે તેના ઘરની નજીક આવેલાં મફતનગરમાં રહેતા રોહિત ઉર્ફે ચણી હરેશ બારૈયા સાથે એકાદ વર્ષ પૂર્વે મિત્રતા થઈ હતી.અને આ દરમિયાનમાં રોહિતને પૈસાની જરૃર પડતાં પૂજને રૂ. 9 હજાર આપ્યા હતા. જે પૈકી રૂ. 5 હજાર પરત મળી ગયા હતા. જયારે, રૂ. 4 હજાર લેવાના બાકી હતા. નાણાંની ઉઘરાણી બાબતે પૂજને ફોન કરતાં રોહિત સાથે બોલાચાલી થઈ હતી. જો કે, પૂજન હાલ શહેરના ચિત્રા રાજનગરમાં રહેતા મામાના ઘરે રહેવા ગયો હોય ત્યાંથી ગત તા. 26ના રોજ રાત્રિના સુમારે પૈસાની ઉઘરાણી માટે ફરી ફોન કરતા રોહિતે સુભાષનગર મફતનગર સ્થિત ઘર પાસે આવી પૈસા લઈ જવાનું કહ્યું હતું.
જેથી પૂજન તેના કૌટુંબિક મામાના દિકરા ભાઈ ઉમેશ ભરતભાઈ ચૌહાણ (ઉ.વ.આશરે 17) અને મામાના ર્સિવસ સ્ટેશનમાં કામ કરતાં આસિફ સાદિકભાઈ જુનેજાને સાથે લઈ એક બાઈક પર ત્રણ સવારીએ સુભાષનગર પહોંચ્યા હતા.જયાં રોહિત ઉર્ફે ચણી સાથે હિરેન ઉર્ફે ભીમ ગોકુળ ભરવાડ તથા તેની સાથેના અજાણ્યા શખસે લોખંડનો પાઈપ, લાકડાના ધોકા અને છરી સહિતના હથિયારો સાથે બાઈક પર આવેલાં ત્રણેય સવારો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પૂજન પર રોહિતે લોખંડના પાઈપ વડે માથાના અને કપાળના ભાગે હુમલો કરી લોહીયાળ ઈજા પહોંચાડતાં બાઈક પર સવાર ત્રણેય નીચે પડી ગયો હતો. જયારે તેની સામે જ અન્ય બે ભાગવા જતાં રોહિતે ઉમેશની પાછળ દોડી તેને વર્ષા સોસાયટીવાળા રોડ પર ઝડપી તેની પાસે રહેલી છરી વડે આડેધડ ઘા માર્યા હતા. જયારે, હિરેન ઉર્ફે ભીમ અને તથા તેની સાથેના અજાણ્યા શખસે લોંખડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી લોહીયાળ અને ગંભીર ઈજા પહોંચાડી હતા. તો,આસિફ દૂર હોવાથી અને ઘટનાને લઈ સ્થાનિકો ભેગા થતાં ત્રણેય શખસ નાસી છૂટયા હતા.
જયારે, લોહીયાળ હાલતે ઉમેશને 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. તો, પૂજનને સર ટી, હોસ્પિટલ ખાતે સારવાર આપવામા આવી હતી. બનાવને લઈ ઘોઘારોડ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને તજવીજ હાથ ધરી હતી. જયારે, વ્હેલી સવારે પૂજન રાઠોડની ફરિયાદ લઈ ઉક્ત ત્રણેય શખસ વિરૃદ્વ આઈપીસી કલમ 302, 120 (બી) તથા જીપી એક્ટ 135 અન્વયે ગુન્હો નોંધ્યો હતો.અને ઘોઘારોડ પોલીસે ઉક્ત ત્રણ પૈકી બેને ઝડપી નજરકેદ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.