કાબુલ: અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાને કેદ કરેલા ત્રણ ભારતીય એન્જિનિયર્સને છોડી દીધા છે. તેના બદલામાં તેણે ભારતની જેલમાં બધ 11 આતંકીઓને છોડાવી લીધા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અદલાબદલી રવિવારે કોઇ ગુપ્ત સ્થાન પર કરવામાં આવી હતી. છોડવામાં આવેલા 11 આતંકીઓમાં શેખ અબ્દુર રહીમ અને મૌલાવી અબ્દુર રાશિદ સામેલ છે. બન્ને ક્રમશ: કુનૂર અને નિમરોજ પ્રાંત માટે તાલિબાનના ગવર્નર તરીકે કામ કરી ચૂક્યા છે.
આ અદલાબદલીને લઇને ભારત કે અફઘાનિસ્તાનના અધિકારીઓ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. તાલિબાને અફઘાનિસ્તાનના ઉત્તરી બઘલાન પ્રાંત સ્થિત એક એનર્જી પ્લાન્ટમાં કામ કરી રહેલા 7 ભારતીય એન્જિનિયર્સને 2018માં બંધક બનાવી લીધા હતા. તેમાંથી એકને માર્ચમાં છોડી દેવામાં આવ્યો હતો જ્યારે અન્ય લોકોની જાણકારી મળી ન હતી.
બન્ને તરફથી મુક્તિની આ પ્રક્રિયા અફઘાનિસ્તાનના વિશેષ અમેરિકી દૂત જલ્મે ખલીલઝાદ અને તાલિબાનના પ્રતિનિધિ મુલ્લા અબ્દુલગની બરદાર વચ્ચેની બેઠકમાં થઇ હતી. બરદાર તેના 12 સભ્યો સાથે પાકિસ્તાન સરકારના આમંત્રણ પર વાતચીત માટે બુધવારથી ઇસ્લામાબાદમાં મોજૂદ છે. તાલિબાની પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશી સાથે પણ મુલાકાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.