આ સપ્તાહમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થશે! કરા સાથે વરસાદની પણ આગાહી, જાણો હવામાન અંગેની આગાહીઓ

Gujarat weather news: આગાહીમાં જણાવાયુ છે કે, ‘તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

’અમદાવાદ: રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે તેમ જણાવ્યુ છે. આ સાથે તેમણે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.

અમદાવાદ વિભાગના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે બે દિવસ પહેલા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી.

આ સાથે તેમણે કહ્યુ છે કે, લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણના ભાગોના બન્ને દરિયાકાંઠે પવનો ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની શક્યતાઓ છે. જેની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. તાપમાનમાં વધારાની વાત કરીને હવામાનના વૈજ્ઞાનિકે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, હવે ધીરે ધીરે પ્રી-મોન્સૂન ગતિવિધિ વધશે. ગરમી અંગે જોઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં લઘુતમ તાપમાન 18થી 22 જેટલું રહી શકે છે. ગરમીનો મહત્તમ આંક તા. 22 માર્ચ સુધીમાં જોવા મળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે તેમ જણાવ્યું છે. તા. 28 માર્ચ સુધીમાં બેથી ત્રણ પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે. હવે આવતા પશ્ચિમી વિક્ષેપો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને જ પ્રભાવિત કરી શકે, કારણ કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ગોળાર્ધ તરફ્ આવતો જશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, અરબ સાગરનો ભેજ મધ્ય પ્રદેશ સુધી જતા તા. 20થી 26 તારીખો અને હોળી બાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉનાળામાં આકરીગરમી પડવાની શક્યતા રહેશે અને દરિયાઈ ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.