સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં નવ જામીન અરજી અને એક આગોતરા અરજી નામંજૂર થયા બાદ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઓર્ડરની કોપી ઓનલાઈન મુકાઈ છે. જેમાં મનપા, ફાયર, બિલ્ડર અને ડીજીવીસીએલના અધિકારીઓની ભૂમિકા પર ફરી એક વાર પ્રકાશ પાડ્યો છે.
બિલ્ડરોની ભૂમિકા: ખોટા પુરાવા રજૂ કર્યા
તક્ષશિલા આર્કેટમાં ત્રીજા માળે ડોમ ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામ નિયમિત કરવા માટે વર્ષ 2011માં ગૃડા અન્વયે માલિકોએ પાલિકામાં અરજી કરી હતી. જે અરજી આરોપી કાર્યાપાલક ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, જુનિયર ઇજનેર છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી બિલ્ડર હરસુખ વેકરિયા, સવજી પાઘડાળ અને રવીન્દ્ર કહાર દ્વારા આકારણી કરવાના ખોટા પુરાવા રજૂ કરી તેમ જ બાંધકામ 28મી માર્ચ, 2011 પહેલાંનું હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કરી ગૃડા-2011ના કાયદા મુજબ બાંધકામ નિયમિત કરાવ્યું હતું. આ ડોમનું બાંધકામ અત્યંત જ્વલનશીલ પદાર્થથી કરવામાં આવ્યું હતું. અને બીજા માળે આવેલી એ.સી.ના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ત્રીજા માળે આવેલા ડોમ સુધી પ્રસરી હતી. આ કામે બિલ્ડર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ જગ્યાના કબજેદાર ભાર્ગવ બુટાણી હતા અને તેણે ડોમમાં જ્વલનશીલ પદાર્થ લગાવ્યો હતો અને આ જ્વલનશીલ પદાર્થ જ 22 જેટલા માસૂમોનો ભોગ લેવા માટે જવાબદાર છે.
પાલિકાના અધિકારીઓએ ચકાસણી નહીં કરી
કોર્ટે નોંધ્યું કે,બિનપરવાનગીનું બાંધકામ નિયમિત કરવાની કામગીરી કરનાર મનપાના કર્મચારીઓ દ્વારા પણ અરજદાર-આરોપી દ્વારા જે દસ્તાવેજો રજૂ કરાયા હતા તેની પૂરતી ચકાસણી કર્યા વગર નિયમિત કરવાનો હુકમ કર્યો હતો. જેથી તેઓની બેદરકારી છે. અગાઉ સુરત શહેરમાં આગમ આર્કેડમાં આગનો બનાવ બન્યો હતો તેમ છતાં પૂરતી કાળજી લીધી ન હોવાથી તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટના બનતા સીધી બેદરકારી પુરવાર થાય છે.
સંજોગ બદલાયા નથી: કોર્ટ
તમામ બાબતો ધ્યાને લેતાં ચાર્જશીટ થયા બાદ આરોપીઓને જામીન મુક્ત કરી શકાય તેવા કોઈ નવા સંજોગો ઊભા થયા હોય અને નવી હકીકત રેકોર્ડ ઉપર આવી હોય કે અગાઉ જે તારણો આપવામાં આવ્યા હતાં તેમાં ચાર્જશીટ થયા બાદ મહત્ત્વના સંજોગોમાં કોઈ ફેરફાર થયા હોય તેવું પુરવાર થતું ન હોવાથી જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.