ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ટેનિસમાંથી (Sania Mirza) નિવૃત્તિ લેવા જઈ રહી છે. તે કહે છે કે 2022ની સીઝન તેના માટે છેલ્લી છે. ઓસ્ટ્રેલિયન ઓપન(Australian Open)માં હાર્યા બાદ સાનિયા મિર્ઝાએ જાણકારી આપી હતી. સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એકાદ અઠવાડિયાથી રમી રહી છું. ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં.
પરંતુ હું આખી સિઝન સુધી રહેવા માંગુ છું.’ સાનિયા અને તેની યુક્રેનિયન જોડીદાર નાદિયા કિચનોકને ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓને સ્લોવેનિયાની તમરા ઝિદાનસેક અને કાજા જુવાન દ્વારા એક કલાક અને 37 મિનિટમાં 4-6, 6-7(5)થી હાર આપી હતી. જોકે, સાનિયા હવે અમેરિકાના રાજીવ રામ સાથે આ ગ્રાન્ડ સ્લેમની મિક્સ ડબલ્સમાં ભાગ લેશે.
સાનિયા મિર્ઝા લગભગ 91 અઠવાડિયા સુધી ડબલ્સમાં નંબર વન રહી. 2015માં સાનિયાએ માર્ટિના હિંગિસ સાથે જોડી બનાવીને સતત 44 મેચ જીતી હતી. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવી ઈવેન્ટ્સમાં પણ મેડલ જીત્યા છે. સાનિયા મિર્ઝા તેના પુત્રના જન્મ બાદ 2018માં ટેનિસ કોર્ટથી સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ હતી. આ પછી તે બે વર્ષ પછી પરત ફરી હતી. પરત ફરવા માટે સાનિયાએ પોતાનું વજન અંદાજીત 26 કિલો જેટલું ઘટાડ્યું હતું. વાપસી બાદ, તેણીએ યુક્રેનની નાદિયા કિચેનોક સાથે હોબાર્ટ ઇન્ટરનેશનલ ખાતે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. આ પછી તે ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ રમી હતી. પરંતુ ત્યાં પણ તેને વધારે સફળતા મળી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.